સમીર વાનખેડેની અરજી દિલ્હી હાઇકોર્ટે નકારી કાઢી,આર્યનની સિરિઝમાં કોઇ સીન નહીં કપાય

સમીર વાનખેડેને અરજી સુધારી ફરી કેસ દાખલ કરવાની સલાહ અપાઇ
સમીર વાનખેડેએ આર્યનખાનની વેબ સિરિઝમાં પોતાની બદનામી થઇ હોવાનો દાવો કરી નુકશાની પણ માંગી હતી
નેટફલિક્સ પર રજૂ થયેલી આર્યન ખાનની વેબ સિરિઝ બા..ડઝ ઓફ બોલિવૂડમાં પેરોડી કરી તેની બદનામી કરવામાં આવીનું જણાવી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો-એનસીબીના ભૂતપૂર્વ અધિકારી સમીર વાનખેડેએ શાહરૃખખાનની કંપની પર દિલ્હી હાઇકોર્ટમાં બદનક્ષીનો કેસ કર્યો તેની સુનાવણી હાથ ધરી ન્યાયાધીશે આ દિવાની કેસ દિલ્હીમાં કેવી રીતે ચલાવી શકાય તેવો સવાલ કરી તેને પડતો મુક્યો હતો. સમીર વાનખેેડેના વકીલ હવે આ અરજી સુધારી નોંધાવે તે પછી રજિસ્ટ્રી દ્વારા તેને લિસ્ટ કરવામાં આવશે.
બા..ડઝ ઓફ બોલિવૂડના પહેલાં એપિસોડમાં પોતાની બદનામી કરવામાં આવી હોવાનો દાવો સમીર વાનખેડેએ કર્યો હતો. જસ્ટિસ પુરૃષઇન્દ્ર કુમાર કૌરવે સવાલ કર્યો હતો કે વાનખેડે તમારી અરજી દિલ્હીની અદાલતમાં કેવી રીતે ટકી શકે? તેમાં બનેલી ઘટના દિલ્હીમાં બનેલી છે? જો તમે એમ જણાવ્યું હોય કે તમારી વિવિધ સ્થળે બદનામી થઇ છે અને તેમાં દિલ્હી પણ સામેલ છે અને તેમાં સૌથી વધારે નુકશાન દિલ્હીમાં થયું છે તો આ અરજી પર વિચાર કરી શકાયો હોત. ત્યારે વાનખેડેના વકીલે જણાવ્યું હતું કે આ સિરિઝને દિલ્હીના દર્શકોએ જોઇ છે. આમ વેબસિરિઝ દિલ્હીમાં પણ દર્શાવાઇ હોવાથી મારા અસીલની બદનામી થઇ છે. અદાલતે તે પછી વાનખેડેને તેમની અરજીમાં બાબત દિલ્હીમાં બની હોવાનું દર્શાવી અરજી કરવા જણાવ્યું હતું.હવે આ કેસમાં સુધારેલી અરજી નોંધાવવામાં આવે તે પછી તેમાં સુનાવણી થશે.
અદાલતે જણાવ્યું હતું કે સિવિલ પ્રોસિજર કોડની કલમ નવની જોગવાઇઓ અને અરજદારે દિલ્હીમાં આ સિવિલ કેસ કેવી રીતે થઇ શકે તેની સ્પષ્ટતા ન કરી હોઇ હાલ આ અરજી નકારવામાં આવં છે. વાનખેડેના વકીલે જરૃરી સુધારા માટે સમય માંગ્યો હોઇ તે થયા બાદ તેને લિસ્ટમાં લેવાશે. અદાલતે સુનાવણીની આગામી કોઇ તારીખ આપી નથી. અરજી નોંધાયા બાદ રજિસ્ટ્રી દ્વારા તેને લિસ્ટ કરવામાં આવશે.
વાનખેડેએ તેમના દાવામાં આક્ષેપ કર્યો હતો કે આ સિરિઝમાં ડ્રગ વિરોધી એજન્સીઓનું ગેરમાર્ગે દોરનારું ચિત્રણ કરવામાં આવ્યું છે. જેથી લોકોની તેમનામાં રહેલા વિશ્વાસને અસર થઇ રહી છે. ખોટા, બદઇરાદાભર્યા અને બદનામી કરનારા વિડિયોને કારણે હાનિ થઇ હોવાથી વાનખેડેએ પ્રોડકશન હાઉસ રેડ ચીલીઝ એન્ટરટેઇનમેન્ટ પ્રા.લિ., નેટફ્લિક્સ અને અન્યો સામે કાયમી ઇન્જક્શન અને બે કરોડ રૃપિયાની નુકશાની માંગવામાં આવી હતી. રેડ ચિલીઝ દ્વારા આ શો પ્રોડયુસ કરવામાં આવ્યો છે જેના દ્વારા આર્યનખાને ફિલ્મમેકિંગના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે.








