સંજય કપૂરની પત્ની પ્રિયા કપૂરને બાર જુને તેની તમામ સ્થાવર જંગમ મિલ્કતની યાદી આપવાનો દિલ્હી હાઇકોર્ટનો આદેશ

કરિશ્મા કપૂરના સંતાનો સમાયરા અને કિયાનને ૧૯૦૦ કરોડ રૃપિયા આપવામાં આવ્યા હોવાની રજૂઆત
માતા રાની કપૂરે પ્રિયાએ બનાવટી વસિયતનામા દ્વારા સંપત્તિ હડપ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું
બોલીવૂડની જાણીતી અભિનેત્રી કરિશ્મા કપૂરે તેના ભૂતપૂર્વ પતિ સંજયકપૂરના વસિયતનામાંને પડકારી ૩૦,૦૦૦ કરોડ રૃપિયાની સંપત્તિમાં તેનો હિસ્સો માંગવા માટે કરેલી અરજીની સુનાવણી હાથ ધરી દિલ્હીની હાઇકોર્ટે સદ્ગત બિઝનેસમેન સંજય કપૂરની પત્ની પ્રિયા કપૂરને સંજય કપૂરના મૃત્યુના દિવસે બારમી જુને તેની તમામ સ્થાવર અને જંગમ સંપત્તિની યાદી આપવા જણાવ્યું હતું. આ કેસની આગામી સુનાવણી હવે નવમી ઓક્ટોબરે થશે. બીજી તરફ પ્રિયા કપૂરે જસ્ટિસ જ્યોતિસિંહને જણાવ્યું હતું કે કરિશ્મા કપૂરના બંને સંતાનો ૨૦ વર્ષની સમાયરા કપૂર અને ૧૫ વર્ષના કિઆન રાજ કપૂરને ફેમિલિ ટ્રસ્ટમાંથી ૧૯૦૦ કરોડ રૃપિયા મળી ચૂક્યા છે તો હવે તેમને કેટલાં વધારે નાણાં જોઇએ છે? કરિશ્મા કપૂરે સંજય કપૂર પાસેથી ડાઇવોર્સ લીધાં તે પછી સંજય કપૂરે પ્રિયા સાથે લગ્ન કર્યા હતા.
પ્રિયાના વકીલ રાજીવ નાયરે અદાલતને જણાવ્યું હતું કે વસિયતનામાની નોંધણી કરાવાઇ નહોતી પણ તેના કારણે તે અમાન્ય બની જતું નથી. અને તેને કારણે લોકો રસ્તે રઝળતાં થઇ ગયા નથી. દાવો નોંધાવવામાં આવ્યો તેના છ દિવસ અગાઉ જ આ રોકકળ શરૃ થઇ ગઇ છે.ન્યાયાધીશે જણાવ્યું હતું કે હાલ તો હું ફરિયાદ નોંધી લઉં છું અને બચાવપક્ષને બારમી જુને તેમની જે સંપત્તિ હોય તેની યાદી જાહેર કરવા જણાવું છું.
સંજય કપૂરના ડાઇવોર્સ કેસનો પણ પ્રિયાના વકીલે ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે આ કેસમાં પણ દાવાઓ ઉપર દાવાઓ થતાં કેસ આખરે સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. મૃતકના આત્મા પર તો થોડી સહાનુભૂતિ રાખો. વકીલે જણાવ્યું હતું કે મારી અસીલ પ્રિયાને છ વર્ષનું બાળક છે અને તે હવે વિધવા છે. તે સંજયની છેલ્લી પત્ની છે. છેલ્લા પંદર વર્ષમાં કરિશ્મા કપૂર તો ક્યાંય નહોતી. એવું નથી કે આ લોકોને રસ્તે રઝળતાં મુકી દેવામાં આવ્યા હોય.
સંજય કપૂરની માતા રાની કપૂરે પણ તેના હિસ્સામાં કશું રખાયું ન હોવાનું જણાવી વસિયતનામાંને પડકાર્યું છે. રાની કપૂરે તેના વકીલ વૈભવ ગગ્ગર દ્વારા જણાવ્યું હતું કે મેં ે કમ સે કમ પંદર ઇ-મેઇલ મોકલી વસિયતનામા વિશે પૃચ્છા કરી હતી પણ તેમને કશું જણાવવામાંઆવ્યું નહોતું. મારી ઇમેઇલ સાથે ચેડાં થયા હોવાનું મને જણાવવામાં આવ્યું હતું. મારી ં કમ સે કમ ૧૦,૦૦૦ કરોડ રૃપિયાની તો સંપત્તિ હોવી જોઇએ. હું ૮૦ વર્ષની માતા છુ પણ મને ક્યાંયની રહેવા દેવામાં આવી નથી. પ્રિયા કપૂર લગ્ન કરીને આવે છે અને ત્રણ મહિનામાં તો બધું ગુમ થઇ જાય છે. મારા પુત્રએ આજે મારા માથે છાપરું પણ રહેવા દીધું નથી. વકીલે દાવો કર્યો હતો કે સંપત્તિનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
ફરિયાદીના વકીલ મહેશ જેઠમલાણીએ વસિયતનામાંની આધારભૂતતાને પડકારી હતી અને જણાવ્યું હતું કે સંપત્તિ પર કબજો જમાવવા માટે પ્રિયાએ આ બનાવટી વસિયતનામું બનાવ્યું છે. કરિશ્મા અને સંજયના ૨૦૦૩માં લગ્ન થયા હતા અને બંને ના ૨૦૧૬માં ડાઇવોર્સ થઇ ગયા હતા.બારમી જુને પોલોની મેચ દરમ્યાન માખી ગળી જવાને કારણે લંડનમાં સંજય કપૂરનું મોત થયું હતું. રાની કપૂરે પણ યુકેના સત્તાવાળાઓને તેમના પુત્રના મોતની તપાસ કરવા જણાવ્યું હોવાના પણ અહેવાલો છે.








