મહાલક્ષ્મી મંદિરની કાયાપલટમાં વિલંબઃ શ્રદ્ધાળુઓમાં ભારે રોષ
નવરાત્રિ પહેલાં પહેલો તબક્કો પૂર્ણ થાય તેમ પણ લાગતું નથી
ગત વર્ષે ઓક્ટોબરમાં ભૂમિપૂજન થયું હતુંઃ હવે વાસ્તવિક વર્ક ઓર્ડર આપ્યા વિના કામ શરુ કરી દેવાનો દેખાડો
મુંબઇ - મુંબઇના પ્રસિદ્ધ મહાલક્ષ્મી મંદિરનાં સમગ્ર પરિસરની કાયાપલટમાં ભારે વિલંબ થયો છે. ગત ઓક્ટોબરમાં ભૂમિપૂજન બાદ હવે કામગીરી શરુ કરાયાોનો દેખાડો થઈ રહ્યો છે. જોકે, હજુ સુધી આ પ્રોજેક્ટ માટે ફાઈનલ વર્ક ઓર્ડર અપાયો જ નથી. આગામી નવરાત્રિ સુધીમાં પહેલા તબક્કાની કામગીરી પૂર્ણ કરવાનું આશ્વાસન બીએમસી આપી રહી છે. પરંતુ, આ વિલંબ નીતિ સામે શ્રદ્ધાળુઓમાં રોષ ફેલાયો છે.
રિનોવેશન તથા બ્યુટિફિકેશન પ્રોજેક્ટનું ભૂમિપૂજન ગત વર્ષે ઓક્ટોબરમાં તત્કાલીન સીએમના હસ્તે કરાયું હતું. પરંતુ મહાપાલિકાએ નવ માસ સુધી કોઈ કામગીરી હાથ નહિ ધરતાં શ્રદ્ધાળુઓમાં રોષ ફેલાયો છે.
મહાનગરપાલિકાનાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે યોજનાના પહેલા તબક્કામાં મંદિરના પરિસરમાં લાઇટિંગ અને શેરીની ડિઝાઇનની કામગીરી થશે.પરિસરમાં ફૂલના અને પ્રસાદના નવા સ્ટોલ્સ બનાવવામાં આવશે.સાથોસાથ દર્શનાર્થીઓને ચાલવા માટેનો રસ્તો પણ તૈયાર થશે.પહેલા તબક્કાની યોજનામાં પચ્ચીસ કરોડ રૃપિયાનો ખર્ચ થશે.
આ પ્રોજેક્ટ્માં મંદિરના પ્રવેશદ્વારોનું સુશોભન,એસ્કેલેટર્સ(સ્વયંસંચાલિત સિડી), ક્લોઝ્ડ સર્કિટ કેમેરા(સીસીટીવી), વીજળીની લાઇટિંંગ માટેનો કન્ટ્રોલ રૃમપૂજાની સામગ્રી,ધાર્મિક પુસ્તકો, ફોટોગ્રાફ્સ, ફૂલ,પ્રસાદ વગેરેના સ્ટોલ્સની નવેસરથી વ્યવસ્થા, મંદિરથી સ્કાયવોક, સોલાર પેનલ્સ મૂકવા વગેરેનો સમાવેશ થાય છે.
કોન્ટ્રાક્ટરને સૌંદર્યીકરણ માટેની સામગ્રીની ખરીદીનો ઓર્ડર આપી દેવાયો છે.
બીજીબાજુ અમુક અધિકારીઓએ એવી માહિતી આપી છે કે હજુ વાસ્તવમાં ઓર્ડર ે કોન્ટ્રોક્ટરને અપાયો જ નથી.જે કાંઇ કાર્ય શરૃ થયું છે તે કોઇપણ જાતના ચોક્કસ ઓર્ડર વગર જ શરૃ થયું છે. એટલે કે મંદિરના સુશોભીકરણનો પહેલો તબક્કો નવ રાત્રિ પહેલાં પૂરો થાય તેવી બહુ ઓછી શક્યતા છે.
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેની ઓફિસનાં સૂત્રોના જણાવ્યા અનુસાર મહાલક્ષ્મી મંદિરનું સુશોભનકાર્ય શરૃ કરવામાં મહાનગરપાલિકા વિલંબ કરતી હોવાથી તેઓ પણ નારાજ છે.
મહાનગરપાલિકાની આવી વિલંબ નીતિથી શ્રદ્ધાળુઓ પણ ભારે નારાજ છે.સાથોસાથ મંદિરના ટ્રસ્ટીઓએ પણ આ બાબતમાં એકનાથ શિંદે સમક્ષ રજૂઆત કરી છે.
મુંમ્બાદેવી મંદિરના અને મહાલક્ષ્મી મંદિરના સુશોભનકાર્ય માટે ૨૮૦ કરોડ રૃપિયા ફાળવવામાં આવ્યા છે.