ઈડી દ્વારા સ્થાનિક અદાલતમાં વિનંતી કરવામાં આવી
તાજેતરમાં સંબંધિત કેસમાં ક્લોઝર રિપોર્ટની સ્વીકૃતિને પગલે ઈડીએ રજૂઆત કરી
મુંબઈ - મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બેંક કૌભાંડમાં એનસીપી ધારાસભ્ય રોહિત પવાર અને અન્ય લોકોની ડિસ્ચાર્જ અરજીઓનો નિર્ણય યોગ્યતાના આધારે લેવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સ્થાનિક અદાલતને જણાવ્યું છે. આ વિનંતી તાજેતરમાં સંબંધિત કેસમાં ક્લોઝર રિપોર્ટની સ્વીકૃતિને પગલે વિનંતી કરવામાં આવી છે.
મુંબઈ પોલીસની આથક ગુના શાખા દ્વારા ઓગસ્ટ ૨૦૧૯ માં દાખલ કરાયેલી એફઆઈઆરના આધારે ઈડીએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.
ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટમાં એમએસસીબીના તત્કાલીન અધિકારીઓ અને ડિરેક્ટરો દ્વારા યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વિના તેમના સંબંધીઓ/ખાનગી વ્યક્તિઓને નજીવા ભાવે એસએસકે (સહકારી સાકર કારખાના)નું છેતરપિંડીથી વેચાણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
પરંતુ ઈઓડબ્લ્યુએ પાછળથી પુરાવાના અભાવે કથિત રૃ.૨૫,૦૦૦ કરોડના કૌભાંડમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો જેને વિશેષ કોર્ટે તાજેતરમાં સ્વીકાર્યો હતો.
ત્યારબાદ રોહિત પવાર અને ઈડીના કેસમાં આરોપી તરીકે નામ આપવામાં આવેલા ૧૧ અન્ય લોકોએ મની લોન્ડરિંગ કેસમાંથી મુક્તિની માગ કરી હતી.
તેના જવાબમાં, કેન્દ્રીય એજન્સીએ જણાવ્યું હતું કે ક્લોઝર રિપોર્ટ નીચલી અદાલત દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો, પરંતુ ઈડીની હસ્તક્ષેપ અરજીના અગાઉના અસ્વીકારને પડકારતી ૨૦૨૧ ની રિટ અરજી હજુ પણ બોમ્બે હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.
૧૭ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરનાર ઈડીએ વિશેષ કોર્ટને દોષમુક્તિની અરજીઓનો નિર્ણય યોગ્યતાના આધારે લેવા વિનંતી કરી હતી.
આ કથિત કૌભાંડ જિલ્લા અને સહકારી બેંકો દ્વારા સહકારી ખાંડ ફેક્ટરીઓ, સ્પિનિંગ મિલો અને અન્ય સંસ્થાઓને નિયમોનું પાલન કર્યા વિના લોન આપવા સાથે સંબંધિત હતું. એમએસસીબી મહારાષ્ટ્રની સર્વોેચ્ચ સહકારી બેંક છે.
લોન વિતરણમાં અનિયમિતતાને કારણે જાન્યુઆરી ૨૦૦૭ થી ડિસેમ્બર ૨૦૧૭ દરમિયાન રાજ્યના તિજોરીને રૃ.૨૫,૦૦૦ કરોડનું નુકસાન થયું હતું.


