Get The App

ચેતનસિંહને ફરી મેન્ટલ હોસ્પિટલ મોકલવા સામે મૃતકની પત્નીનો વિરોધ

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
ચેતનસિંહને ફરી મેન્ટલ હોસ્પિટલ મોકલવા  સામે મૃતકની  પત્નીનો વિરોધ 1 - image

ચાલુ ટ્રેને ગોળીબારના આરોપીની માનસિક તપાસના આદેશને પડકાર્યો

ચેતન માનસિક રીતે ફિટ છે તેવા મેડિકલ બોર્ડના આદેશ છતાં ફરી તપાસના બહાને ટ્રાયલ લંબાવવાનો પ્રયાસ હોવાનો દાવો

મુંબઈ - ૨૦૨૩ના રેલ્વે ગોળીબારની ઘટનામાં મૃતકની વિધવાએ બુધવારે સેશન્સ કોર્ટને આરોપી ભૂતપૂર્વ આરપીએફ કોન્સ્ટેબલ ચેતન સિંહ ચૌધરી માટે નવેસરથી માનસિક સ્વાસ્થ્ય મૂલ્યાંકનના નિર્દેશ આપતા  આદેશને રદ કરવા વિનંતી કરી હતી.એડવોકેટ  દ્વારા દાખલ કરવામાં આવેલી હસ્તક્ષેપ અરજીમાં કહેવામાં આવ્યું છે કે આરોપી ટ્રાયલને રોકવા માટે  ન્યાયિક પ્રક્રિયાનો ઉપયોગ કરી રહ્યો છે જે અતિમ તબક્કામાં છે.

ચૌધરી પર ૩૧ જુલાઈ, ૨૦૨૩ ના રોજ મહારાષ્ટ્રના પાલઘર રેલ્વે સ્ટેશન નજીક જયપુર-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં સવાર તેમના વરિષ્ઠ સાથીદાર, સહાયક સબ-ઇન્સ્પેક્ટર ટીકા રામ મીણા અને ત્રણ મુસ્લિમ મુસાફરોની ગોળી મારીને હત્યા કરવાનો આરોપ છે.

મૃતક અસગર શેખની પત્ની ઉમેસા ખાતૂને અગાઉના મેડિકલ રિપોર્ટને ટાંકીને દાવો કર્યો હતો કે આરોપીની માનસિક તંદુરસ્તી પહેલાથી જ નક્કી થઈ ગઈ હતી.

થાણે સ્થિત ડિસ્ટ્રિક્ટ મેન્ટલ હેલ્થ રિવ્યૂ બોર્ડે આરોપીનું વ્યાપક માનસિક સ્વાસ્થ્ય મૂલ્યાંકન કર્યું હતું અને તારણ કાઢયું હતું કે તે માનસિક રીતે સ્થિર છે અને ટ્રાયલનો સામનો કરવા માટે યોગ્ય છે. તેથી, નવેસરથી મૂલ્યાંકન જરૃરી નથી, અરજીમાં જણાવાયું છે.

પચ્ચીસમી માર્ચે એડિશનલ સેશન્સ જજ (દિંડોશી કોર્ટ) પ્રવીણ ચતુરે જેલ સત્તાવાળાઓને ચૌધરીને થાણે માનસિક હોસ્પિટલમાં મોકલવાનો અને તે ટ્રાયલ માટે યોગ્ય છે કે નહીં તે અંગે ચોક્કસ અભિપ્રાય સાથે રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

ચૌધરીની જામીન અરજીને પગલે આ આદેશ આપવામાં આવ્યો હતો, જેમાં માનસિક સ્વાસ્થ્યની સ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ઉમેસા ખાતૂનની હસ્તક્ષેપ અરજીમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટે તેને અગાઉ તબીબી કારણોસર જામીન આપવાનો ઇનકાર કર્યો હતો અને તેમણે તેની નવી જામીન અરજીમાં તે જ તબીબી કાગળો રજૂ કર્યા હતા. તેમાં કોઈ પુરાવા વિના માનસિક બીમારીનો માત્ર એક અછડતો દાવો હતો.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટે પહેલાથી જ ૧૮ સાક્ષીઓની તપાસ કરી છે, અને નવેસરથી તબીબી મૂલ્યાંકન માટે ટ્રાયલ મુલતવી રાખવાથી ફરિયાદ પક્ષના કેસને નુકસાન થશે.

અરજીમાં જણાવાયું છે કે ચૌધરીના કાર્યો - પીડિતોને તેમના ધર્મના આધારે ઓળખવા અને તેમને નિશાન બનાવવા અને અન્ય લોકોને બચાવવા - દર્શાવે છે કે ઘટના દરમિયાન તે  પોતાની ક્ષમતાઓ પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવતો હતો, અને અસ્વસ્થ માનસિકતાની દલીલ પાછળથી વિચારવામાં આવી હતી.