Mumbai

બાળક જન્મ્યાના 6 જ દિવસમાં સોદોઃ માતાપિતા સહિત 4 ઝડપાયાં

By GS TEAM
8 Aug 20251 min read
બાળક જન્મ્યાના 6 જ દિવસમાં સોદોઃ માતાપિતા સહિત 4 ઝડપાયાં

મુંબઈમાં બાળ તસ્કરીનું રેકેટ

કુલ ૪.૫ લાખમાં વેચાણઃ માતાપિતાએ એક લાખ એડવાન્સ લીધા

મુંબઈ -  મુંબઈમાં છ દિવસના બાળકને બચાવી પોલીસે બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ ગુનામાં બાળકના  માતા- પિતા સહિત ચાર આરોપીની ધરપકડ કરાઈ છે. બે મહિલાને બાળકની તસ્કરી માટે રૃ.૪.૫ લાખ  સ્વીકારતી વખતે રંગે હાથ પકડવામાં આવી હતી.

બાળકના માતા- પિતાને રૃ.એક લાખ પહેલાથી જ એડવાન્સ તરીકે ચૂકવી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

બાળકોની તસ્કરી અંગે વિશ્વસનીય માહિતીના આધારે સામાજિક કાર્યકર્તાએ પોલીસને જાણ કરી હતી. શિવાજીનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે 'પોલીસે માહિતી મળતા ગઈકાલે રાતે બે મહિલાઓને બાળકોની તસ્કરી કરતા પકડી હતી. તેમના તાબામાંથી નવજાત શિશુને બચાવી લીધું હતું. બંને મહિલા રૃ.૪.૫ લાખ સ્વિકારી રહી હતી.

આ માસૂમના માતા- પિતાએ એડવાન્સમાં રૃ.એક લાખ લઈ લીધા હતા. શિવાજીનગર પોલીસે બાળકની માતા સુમૈયા ખાન, પિતા ઈરફાન ખાન, તેમજ નાઝીયા શેખ ઉર્ફે નસરીન, ફાતિમા મહેમૂબલીની ધરપકડ કરી છે. પોલીસે ચાર આરોપી અને રેકેટનો માસ્ટરમાઈન્ડ જે સ્થાનિક હિસ્ટ્રીશીટરનો સંબધી છે. તેમની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૪૩ (૩), સહિતની અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ બધા આરોપીઓ શિવાજીનગરના રહેવાસી છે.