Mumbai

પુણે ઝૂમાં 16 હરણના મરણનું કારણ ઘાતક એમસીએફ તાવ

By GS TEAM
14 Aug 20252 mins read
પુણે ઝૂમાં 16 હરણના મરણનું કારણ ઘાતક એમસીએફ તાવ

ભોપાલની આઈસીએઆર લેબોરેટરીનો રીપોર્ટ

તૃણભક્ષી પશુઓમાં આ બીમારી ફેલાઈ શકેઃ તેની કોઈ દવા કે રસી નથીઃ અન્ય પશુઓને બચાવવા  તાકીદના પગલાં લેવા નિર્દેશ

મુંબઈ -  પુણેના રાજીવ ગાંધી ઝુલોજીકલ પાર્કના હરણો મેલીગનન્ટ કેટરહલ ફિવર (એમ.સી.એફ.)ને કારણે મૃત્યુ પામ્યા હોવાનું તપાસમાં બહાર આવતા પ્રાણીબાગના સત્તાવાળાઓને આ બીમારી અન્ય પ્રાણીઓમાં ફેલાતી અટકાવવા માટે તત્કાળ પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે.

એમ.સી.એફ. ગંભીર  વાઇરલ બીમારી છે જે  જીવલેણ પણ નિવડે છે. આ બીમારી હરણ, સાબર, પશુ અને જંગલી ભેંસને લાગુ પડે છે. પુણે મહાપાલિકા સંચાલિત રાજીવ ગાંધી ઝુલોજીકલ પાર્કમાં ૧૦મીથી ૧૬મી જુલાઇ દરમિયાન ૧૬ હરણ માર્યા ગયા હતા. મૃત હરણના શરીરના નમૂના ભુવનેશ્વરની નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ ફૂટ એન્ડ માઉથ ડિસીઝ તથા ભોપાલની આઇ.સી.એ.આર.ની પ્રયોગશાળાઓમાં મોકલવામાં આવ્યાં હતા.

ભુવનેશ્વરની પ્રયોગશાળાએ  એવો રિપોર્ટ આપ્યો હતો, કે હરણોના  મૃત્યુનું પ્રાથમિક કારણ ફૂટ એન્ડ માઉથ ડિસીઝ (એફ.એમ.ડી.) જણાય છે. જ્યારે ભોપાલની લેબોરેટરીએ એવો રિપોર્ટ આપ્યો હતો કે આ ૧૬ હરણો એમ.સી.એફ.ની વાઇરલ બીમારીને કારણે મૃત્યુ પામ્યા હતા.

મહારાષ્ટ્રના એનિમલ હસબન્ડરી ખાતાના કમિશનર પ્રવીણકુમાર દેવરેએ જણાવ્યું હતું કે ભોપાલની લેબના રિપોર્ટને પગલે કેન્દ્ર તરફથી એડવાઇઝરી બહાર પાડવામાં આવી હતી અને સાવચેતીના પગલાં લેવાની તેમ જ બીમારી અન્ય પ્રાણીઓમાં ન ફેલાય માટે ચાંપતી નદર રાખવાની સૂચના આપવામાં આવી હતી. એટલે અમે વનવિભાગના પ્રિન્સિપલ ચીફ કોન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટને જરૃરી પ્રતિબંધાત્મક પગલાં લેવા લખી જણાવ્યું છે.

એમ.સી.એફ. (મેલીગનન્ટ કેટેરહલ ફિવર) અત્યંત ઘાતક બીમારી છે. આ બીમારી ઘાસચારો વાગોળીને ખાતા હોય એવાં પશુઓ, હરણ કે જંગલી ભેંસોને લાગુ પડે છે. અત્યારે આ બીમારીની અસરકારક સારવાર માટે કોઇ દવા કે રસી ઉપલબ્ધ નથી. સમયસર નિદાન થાય તો પશુની રોગ પ્રતિકારક શક્તિથી બીમારીમાંથી બહાર આવી શકે છે. આ બીમારી પશુમાં ફેલાય નહીં માટે વિવિધ એજન્સીઓ વચ્ચે સમન્વય ખૂબ જ જરૃરી છે.

કેન્દ્ર સરકારે ઝૂના પ્રાણીઓ પર સતત નજર  રાખવાની અને ખાસ કરીને હરણ, સાબર અને જંગલી ભેંસની સ્થિતિ ઉપર ધ્યાન આફવાની ઝૂ સત્તાવાળાને તાકીદ કરી છે. બીજું આ પ્રાણી-પશુના બ્લડ સેમ્પલ ભોપાલની આઇ.સી.એ.આર નિશાદ લેબને મોકલવાની તેમજ પશુની તંદુરસ્તી બાબતમાં સતત ધ્યાન આપવાની સૂચના આપવામાં આવી છે.

પુણે ઝૂના ડિરેક્ટર રાજકુમાર જાધવે જણાવ્યું હતું કે કેન્દ્રની સૂચનાનું પાલન કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ ભોપાલની લેબ પાસેથી  અમે એમ.સી.એફ. બીમારી વિશે વધુ વિગત મંગાવી છે. ૧૬ હરણના મરણને પગલે તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યાં છે.