ગ્રાહકો સુધી પહોંચતાં પહેલાં જ માફિયાઓ વાહનમાંથી દૂધ ગાયબ કરતા હતા
ભેળસેળ થકી ૧ લિટર દૂધને બે લિટર બનાવાતું; નામાંકિત કંપનીઓની થેલીઓનો જથ્થો પણ મળ્યો; સોશિલય મીડિયામાં વિડીયો વાયરલ
મુંબઈગરાંનું સ્વાસ્થ્ય જોખમાય તેવો એક ગંભીર કિસ્સો અંધેરી પશ્ચિમમાં પ્રકાશ પામ્યો છે. અંધેરીના કપાસવાડી પરિસરમાં સ્થાનિક રહેવાસીઓ અને પોલીસે છાપો મારી બનાવટી દૂધ તૈયાર કરતી મોટી ટોળકીને પકડી પાડી છે. દૂધમાં ડિટર્જંટ પાવડર, યુરિયા અને રિફાઈન્ડ તેલ વાપરી સફેદ ઝેર તૈયાર કરાતું હોવાનો પર્દાફાશ થયો છે. ખાસ તો એ કે દૂધની ભેળસેળ કરનારાઓ પાસેથી અનેક નામાંકિત કંપનીઓની દૂધની થેલીઓ મળી આવી છે.
;આ પ્ર કરણે એક વિડીયો સોશિયલ મીડિયા પર જબરો વાયરલ થયો છે. તેમાં એક ઓરડીમાં દૂધની થેલીઓનો ઢગ પડયો છે. ત્યાં ઉપસ્થિત એક વ્યક્તિને બનાવટી દૂધ કઈ રીતે બનાવવું તે દર્શાવવા જણાવાય છે. તે વ્યક્તિ મીણબત્તીની જ્યોતથી થેલી પેક કરી દૂધની ભેળસેળની પ્રક્રિયા દર્શાવે છે.
તપાસ દ્વારા જણાયું કે, આ માફિયાઓ દૂધમાં નૈસર્ગિક લાગે તેવો ફેસ અને સફેદી લાવવા માટે તેમાં ઘાતક ડિટર્જંટ પાવડર અને સાબુના દ્રાવણનો ઉપયોગ કરતા હતા. એટલું જ નહીં તો દૂઘ ઘાટ્ટું થાય અને તેના પ્રોટીનનું પ્રમાણ બરોબર લાગે તે માટે તેમાં યુરિયા અને અન્ય જોખમી સિંથેટિક રસાયણો ભેળવતા હતા. દૂધમાં ફેટ્સ વધારવા માટે રિફાઈન્ડ તેલ નંખાતું. આમ મૂળ એક લિટર દૂધ અન્ય ભેળસેળયુક્ત સામગ્રીને લીધે બે લિટર જેટલું થઈ જતું. જેથી વધુમાં વધુ કમાણી કરી શકાય.
શુદ્ધ દૂધ ડેરીમાંથી ગ્રાહકો સુધી પહોંચે તે પહેલાં જ માફિયાઓ દૂધના બોક્સ અધવચ્ચેથી ગાયબ કરી લેતાં હોય છે. બાદમાં એક ખાનગી સ્થળે લઈ જઈ થેલીઓ ફોડી તેમાં ભેળસેળ કરી ફરી નવી થેલીઓ પેક કરવામાં આવતી. આ દૂધ અંધેરીની ઘણી સોસાયટીઓમાં ઘરેઘરે પહોંચતું હતું, એવી પણ માહિતી મળી છે.


