ભાયંદરમાં એમ્બ્યુલન્સ ન મળતાં મૃતદેહ 2 કલાક રસ્તા પર પડી રહ્યો

રસ્તા પર ફિટ આવ્યા બાદ મોત
બે ડ્રાઈવરોએ જાતજાતના બહાનાં બતાવ્યાં- પત્નીએ રિક્ષામાં મૃતદેહ લઇ જવો પડયા
મુંબઇ - માનવતાને શર્મસાર કરે એવી અરેરાટીપૂર્ણ ઘટનામાં શનિવારે સાંજે ભાયંદર પૂર્વમાં સ્ટેશન નજીકના બંસરાજ રામબલી મૌર્ય (૪૫) નામના નાગરિકનું ફિટ આવ્યા બાદ મોત નીપજ્યું હતું પણ એમ્બ્યુલન્સ ન મળતાં તેમનો મૃતદેહ બે કલાક સુધી રસ્તા પર પડયો રહ્યો હતો.
પોલીસે એમ્બ્યુલન્સ બોલાવી હતી પણ બે કલાક રાહ જોયા છતાં એમ્બ્યુલન્સ ન આવતા મૃતદેહ રસ્તા પર જ પડયો રહ્યો હતો. આખરે મૃતકની પત્નીએ કોઇની મદદથી પતિના મૃતદેહને રિક્ષામાં હોસ્પિટલમાં લઇ જવો પડયો હતો.
ભાયંદર પશ્ચિમના જય અંબે નગર વિસ્તારના રહેવાસી રામબલી મૌર્ય શનિવારે સાંજે કોઇ કામસર ભાયંદર પૂર્વમાં ગયા હતા ત્યારે શોપિંગ સેન્ટર પાસેના રસ્તા પર ફિટ આવવાથી ફસડાઇ પડયા હતા. આ ઘટના બાદ પોલીસ આવી પહોંચી હતી અને એમ્બ્યુલન્સ માટે ફોન કર્યો હતો. પરંતુ બે કલાક સુધી એમ્બ્યુલન્સ આવી નહોતી. દરમિયાન કોઇએ મૌર્યના પત્નીને જાણ કરતા તરત જ તે ઘટના સ્થળે આવી પહોંચી હતી. થોડી ક્ષણોમાં મૌર્યએ રસ્તા પર જ દેહ છોડયો હતો.
ભાયંદર પૂર્વના તળાવ માર્ગ પર પાલિકાની શબવાહિની મોકલવા માટે ફોન કરવામાં આવ્યો તો શબવાહિનીના ડ્રાઇવરે કહ્યું હતું કે ઘટનાસ્થળે પોલીસ હાજર હોય તો તેમને કહો કે શબવાહિની માટે લેખીત માગણી મોકલે. કારણ પછી પોલીસ પત્ર આપતી નથી અને મુશ્કેલી થાય છે. ત્યાર પછી નવઘર પોલીસે શબવાહિનીના ડ્રાઇવરનો ફોન પર કોન્ટેક્ટ કર્યો અને શબવાહિની લઇ આવવાનું કહ્યું. ડ્રાઇવરે ૨૦ મિનિટમાં આવવાનું કહ્યું, પણ આવ્યો જ નહી. પરિણામે મૃતકની પત્નીએ રિક્ષામાં પતિના મૃતદેહને હોસ્પિટલમાં લઇ જવો પડયો હતો.









