Mumbai

મુંબઇમાં દિવસનું તાપમાન 4.2 ડિગ્રી ઘટયું : મહાબળેશ્વર-માથેરાનમાં ઠંડી શરુ

By GS TEAM
31 Oct 20252 mins read
મુંબઇમાં  દિવસનું તાપમાન 4.2 ડિગ્રી  ઘટયું :  મહાબળેશ્વર-માથેરાનમાં ઠંડી શરુ

હવાની ગુણવત્તાનો  આંક સંતોષકારક(૬૧) રહ્યો 

 મહાબળેશ્વર ૧૫.૮ ડિગ્રી   સાથે   સૌથી   ઠંડુ   ઃ માથેરાન-૧૯.૦,  જેઉર -૧૯.૦,  પુણે-૧૯.૫, ધારાશિવ -૧૯.૬, માલેગાંવ -૨૦.૬ ડિગ્રી 

મુંબઇ -   મુંબઇના મહત્તમ તાપમાનમાં આજે  ૪.૨ ડિગ્રી સેલ્સિયસનો સીધો ઘટાડો નોંધાયો   હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.  છેલ્લા ત્રણ -ચાર દિવસથી મુંબઇમાં વરસાદી માહોલ  હોવાથી વાતાવરણમાં ઠંડકનો અનુભવ થઇ રહ્યો  છે. 

આજે  મુંબઇની હવાની ગુણવત્તાનો સરેરાશ  આંક ૬૧(સાંજે ૫ ઃ૩૦) નોંધાયો હતો, જે સંતોષકારક શ્રેણીમાં  આવે છે. શહેરમાં વરસાદી વાતાવરણ રહેતું હોવાથી પ્રદૂષણ દૂર થઇ ગયું છે.  

આજે કોલાબામાં મહત્તમ તાપમાન ૨૯.૮ અને લઘુત્તમ તાપમાન ૨૪.૫ ડિગ્રી, જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૦.૩ અને લઘુત્તમ તાપમાન ૨૪.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 

ગઇકાલે બુધવારે, ૨૯, ઓક્ટોબરે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૩.૨ અને લઘુત્તમ તાપમાન ૨૪.૫ ડિગ્રી, જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૪.૫ અને લઘુત્તમ તાપમાન ૨૫.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.   

બીજીબાજુ આજે મહારાષ્ટ્રનાં બંને ગિરિ મથકો  મહાબળેશ્વરમાં   અને માથેરાનમાં  પણ વાતાવરણ આલ્હાદક -- ખુશનુમા  રહ્યું હતું. આજે   મહાબળેશ્વરમાં લઘુત્તમ તાપમાન ૧૫.૮, જ્યારે મહત્તમ તાપમાન ૧૯.૫ ડિગ્રી  સેલ્સિયસ નોંધાયું હતું. મહાબળેશ્વર આજે આખા મહારાષ્ટ્રમાં  સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું.  માથેરાનમાં લઘુત્તમ તાપમાન ૧૯.૫ ડિગ્રી નોંધાયું હતું. 

છેલ્લા બે દિવસથી મહારાષ્ટ્રમાં આછેરી ઠંડીનો અનુભવ થઇ રહ્યો હોવાના સમાચાર મળે છે.  આજે  મહારાષ્ટ્રનાં  છ(૬)   સ્થળોએ લઘુત્તમ તાપમાન ૨૦.૦ થી ૧૫.૦ ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. આજે  મહાબળેશ્વરમાં લઘુત્તમ તાપમાન ૧૫.૮, માથેરાન -૧૯.૦, જેઉર-૧૯.૦, પુણે - ૧૯.૫, ધારાશિવ-૧૯.૬, માલેગાંવ-૨૦.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 

 હવામાન વિભાગે  એવો સંકેત પણ આપ્યો છે કે હજી આવતા ચાર દિવસ (૩૧,ઓક્ટોબરથી ૩, નવેમ્બર)  દરમિયાન મુંબઇ સહિત મહારાષ્ટ્રના મોટાભાગમાં મેઘગર્જના, વીજળીના ચમકારા, તીવ્ર પવન સાથે હળવી -મધ્યમ વર્ષા થાય તેવાં કુદરતી પરિબળો સર્જાઇ રહ્યાં છે. 

 હાલ  અરબી સમુદ્રના પૂર્વ -મધ્ય  હિસ્સામાં સર્જાયેલું ડિપ્રેશન આજે  અરબી સમુદ્રના  આ જ હિસ્સામાં સ્થિર  રહ્યું છે. જોકે આ પરિબળ આવતા ૩૬ કલાક દરમિયાન ઉત્તર -પશ્ચિમ - ઉત્તર દિશા ભણી સરકે  તેવી શક્યતા છે. ઉપરાંત, હાલ વિદર્ભ અને નજીકના છત્તીસગઢ પર મોન્થા સાયક્લોનના અંશની અસર છે.  આવાં કુદરતી પરિબળોની ભારે અસર  મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં થઇ રહી છે.