Get The App

દાઉદના સાગરિત ફારૂક ટકલાને બનાવટી પાસપોર્ટ કેસમાં પાંચ વર્ષની કેદ

Updated: May 5th, 2025

GS TEAM


Google News
Google News
દાઉદના સાગરિત ફારૂક ટકલાને બનાવટી પાસપોર્ટ કેસમાં પાંચ વર્ષની કેદ 1 - image


ફારુક ૧૯૯૩ના બોમ્બ બ્લાસ્ટ કેસનો પણ આરોપી

નકલી પાસપોર્ટ દ્વારા યુએઈથી ભારત આવવા જતાં દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ હતી

મુંબઈ: ૧૯૯૩ના બોમ્બ વિસ્ફોટ કેસમાં માર્ચ ૨૦૧૮માં  ઝડપાયેલા મોહમ્મદ ફારૂક યાસીન મન્સૂર ઉર્ફે ફારૂક ટકલા (૬૬)ને હવે એસ્પ્લેનેડ કોર્ટના એડીશનલ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા બનાવટી પાસપોર્ટના એક અલગ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

ટકલાને કોર્ટે પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. ટકલાની ૨૦૧૮માં દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. આ સમયે તે યુએઈથી નકલી પાસપોર્ટના આધારે અહીં આવી પહોંચ્યો હતો. ટકલા ૨૦૧૮થી જેલમાં બંધ છે.

ફારૂક ટકલાને યુએઈથી પ્રત્યાર્પણ કરવામાં આવ્યા બાદ ૧૯૯૩ના શ્રેણીબધ્ધ વિસ્ફોટ કેસનો  પણ આરોપી છે. ૧૯૯૩માં તેને ભાગેડુ આરોપી જાહેર કરવામાં આવ્યો હતો. ૧૯૯૩ના શ્રેણીબધ્ધ વિસ્ફોટ કેસમાં કાવતરાખોર તરીકે તેનું નામ બહાર આવ્યું હતું.

ટકલા પર એવો આરોપ છે કે તે મુસ્તાક મોહમ્મદ મિયા નામની બનાવટી ઓળખ સાથે યુએઈમાં રહેતો હતો. ૨૦૦૧માં તે દુબઈમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ પાસેથી નકલી ઓળખ સાથે પાસપોર્ટ મેળવવામાં સફળ રહ્યો હતો. ૨૦૧૧માં તેણે ફરીથી સમાન નકલી ઓળખ સાથે કોન્સ્યુલેટમાંથી બીજો પાસપોર્ટ મેળવ્યો હતો. આ પાસપોર્ટ ૨૦૨૧ સુધી માન્ય હતો.

૨૦૧૮માં ભારત આવવા માટે તેણે આ પાસપોર્ટનો ઉપયોગ કર્યો હતો. જોકે દિલ્હી એરપોર્ટ પર તેને પકડી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ સીબીઆઈએ તેના પર પાસપોર્ટ એકટ અને આઈપીસીની છેતરપિંડી અને બનાવટી સહિતની અન્ય કલમો હેઠળ અનેક આરોપો સાથે કેસ દાખલ કર્યો હતો.

એડીશનલ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ આરડી ચવ્હાણે આદેશમાં જણાવ્યું હતું કે 'રેકોર્ડ પરના પુરાવા એટલે કે મૌખિક અને દસ્તાવેજી પુરાવા દર્શાવે છે કે આરોપી મોહમ્મદ ફારૂક યાસીન મન્સૂર ઉર્ફે ફારૂક ટકલાએ મુસ્તાક મોહમ્મદ મિયા નામનો ઉપયોગ કરીને પાસપોર્ટ અને પાસપોર્ટ રિન્યુઅલ માટે અરજી કરી હતી. જે તેનું સાચુ નામ નથી પાસપોર્ટ અરજી અને પાસપોર્ટમાં ખોટી વિગતો, ખોટી માહિતી અને બનાવટી સહી છે. તે દર્શાવે છે કે આરોપીએ પોતાની વાસ્તવિક ઓળખ છૂપાવીને અને ખોટી માહિતી રજૂ કરીને પાસપોર્ટ મેળવ્યો અને તેને રિન્યુ પણ કરાવ્યો હતો' તેથી કોર્ટે ફારૂક ટકલાને દોષિત ઠેરવી પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.

Tags :