સલમાન પર ગોળીબાર કરનારા બિશ્નોઈ ગેંગના ગુંડાઓને દાઉદ ગેંગની ધમકી

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
સલમાન પર ગોળીબાર કરનારા બિશ્નોઈ ગેંગના ગુંડાઓને દાઉદ ગેંગની ધમકી 1 - image


જેલ પ્રશાસન, ગૃહ ખાતાં, બિહાર સરકારને પત્ર લખી દાવો

સલમાન પર ફાયરિંગ કેમ કર્યું તેમ કહી જેલમાં દાઉદ ગેંગના ગુંડા ધમકી આપી રહ્યાનો 2 આરોપીઓના ભાઈઓનો દાવો  

મુંબઇ :   બોલીવુડ એક્ટર સલમાન ખાનના બાંદરાના નિવાસસ્થાન ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ગોળીબાર કરવાના મામલામાં પકડાયેલા લોરેન્સ બિશ્નોઇ ગેંગના બે ગુંડાને જેલમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની ડી કંપની દ્વારા ધમકી આપવામાં આવી રહી હોવાનું કહેવાય છે. આથી આરોપીના પરિવારે જેલ પ્રશાસન, ગૃહ વિભાગ, બિહાર સરકારને પત્ર લખીને મામલાની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે.

૧૪ એપ્રિલના સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં બાઇક પર આવેલી બે શખસે ગોળીબાર કર્યો હતો. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિક્કી ગુપ્તા અને સાગર પાલની ધરપકડ કરી હતી. લોરેન્સ બિશ્નોઇ ગેંગ સાથે તેઓ સંકળાયેલા હતા.

આ કેસનો વધુ એક આરોપી અનુજ થાપને પોલીસ કસ્ટડીમાં ગળાફાસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.તળોજા જેલમાં પાલ અને ગુપ્તાને રાખવામાં આવ્યા છે. દાઉદ ઇબ્રાહિમના ગુંડા પણ આ જેલમાં છે. સલમાન પર ફાયરિંગ બદલ દાઉદની ગેંગ દ્વારા પાલ અને ગુપ્તાને ધમકી આપવામાં આવી રહી હોવાનું કહેવાય છે.

થોડા દિવસ પહેલા વિકી ગુપ્તાનો ભાઇ શાહ ગુપ્તા તેને મળવા જેલમાં ગયો હતો. તે સમયે વિક્કીએ તેના ભાઇને કહ્યું કે દાઉદ ગેંગના ગુંડા તેને જેલમાં ધમકાવી રહ્યા છે. આ પછી વિક્કીના ભાઇએ જેલ પ્રશાસન, ગૃહ વિભાગ અને બિહાર સરકારને પત્ર લખીને આ મામલાની નોંધ લઇ તપાસ કરવાની વિનંતી કરી હતી.

આરોપી સાગર પાલના ભાઇ રાહુલ પાલે પણ આ જ રીતે પત્ર લખીને ભય વ્યક્તિ કર્યો છે. આ પત્રમાં દાઉદ ગેંગ દ્વારા અપાયેલી ધમકીને ધ્યાનમાં રાખીને બંનેને જેલમાં સલામત સ્થળે ખસેડવાની માગણી કરવામાં આવી હતી.

આરોપી વિક્કી ગુપ્તાનો દાવો

મારા પર દેવુ થઇ ગયું હતું, સહ આરોપી સાગર પાલને મદદ કરવા ગુનામાં સામેલ થયો

ગોળીબાર પાછળ અભિનેતા સલમાન ખાનને નુકસાન પહોંચાડવાનો કોઇ ઇરાદો નહોતો. તેને ધમકી અને ચેતવણી આપવાનો ઉદ્દેશ હતો. આથી કોઇ અત્યાધુનિક શસ્ત્રોના બદલે માત્ર દેશી બનાવટની પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો. તેના ઘર તરફ ગોળીબાર કર્યો હતો, એમ બે શૂટરોમાંથી એક વિક્કી ગુપ્તાએ તેની જામીન અરજીમાં દાવો કર્યો હતો.

મારા પર દેવું થઇ ગયું હતું. આ કેસના સહઆરોપી સાગર પાલે અગાઉ મને આર્થિક અને રોજગાર માટે મદદ કરી હતી. આથી તેને મદદ કરવાના આશ્રયથી મે ગુનામાં સામેલ થવાનું નક્કી કર્યું હતું. અનમોલ બિશ્નોઇએ સોશિયલ મીડિયા પર વિગતો મોકલી હતી કે તે સલમાનને પાઠ ભણાવવા માટે ડરાવવા માંગતો હતો કેમ કે સલમાને બિશ્નોઇ સમુદાયના દેવતા મનાતા કાળીયારને મારવા બદલ માફી માગી ન હતી. એવો દાવો વિક્કીએ  કર્યો હતો.

આ ઉપરાંત વિક્કી ગુપ્તાએ જણાવ્યું હતું કે અનમોલ બિશ્નોઇએ ગોળીબાર પછી મને કઇ નહી થશે એમ કહ્યું હતું. લોરેન્સ બિશ્નોઇએ ભગતસિંહનો કટ્ટર અનુયાયી છે. હું તેના વ્યક્તિત્વથી પ્રભાવિત થયો હતો. આથી કાવતરામાં સંડોવાયો હતો. આ ઘટના સાથે લોરેન્સ બિશ્નોઇને કોઇ લેવા દેવા નથી.

સલમાનના લીધે સિંગર એપી ઢિલ્લોનના ઘર પર ગોળીબારની શંકા

પ્રસિદ્ધ ગાયક એપી ઢિલ્લોનના ઘર પર અંધાધૂધ ગોળીબાર કરાયો હતો. ૯ ઓગસ્ટના આ સિગરનો ઓલ્ડ મની વિથ સલમાન આ મ્યુઝિક વીડિયો રિલીઝ થયો હતો.

સલમાન ખાન સાથેની તેની મિત્રતાના કારણે લોરેન્સ ગેંગ નારાજ હોવાનું કહેવાય છે. આ વીડિયોના લીધે જ ફાયરિંગ કરાઇ હોવાની શંકા છે. આ પહેલા પંજાબી ફિલ્મ અભિનેતા અને ગાયક ગિપ્રી ગ્રેવાલના કેનેડાના ઘરે ગોળીબાર કરાયો હતો. સલમાન સાથેની મિત્રતાને લીધે તેની ધમકી અપાઇ હોવાની ચર્ચા થઇ રહી છે.



Google NewsGoogle News