લગ્ન મંડપમાં જ દીકરીના પિતાનું હાર્ટ એટેકથી મોત
પુત્રીએ પિયર છોડયુ અને પિતાએ દુનિયા છોડી
લગ્ન વિધિ સંપન્ન થઈ, દીકરીને આશીર્વાદ આપ્યા તે પછી તરત જ મંડપમાં ફસડાઈ પડયા
મુંબઇ - ભંડારા જિલ્લાના ખાપા ગામે લગ્ન-પ્રસંગ રંગેચંગે પાર પાડયા બાદ દીકરીને સાસરે વળાવવાની તૈયારી ચાલતી હતી એ જ વખતે કન્યાના પિતાએ લગ્નમંડપમાં જ પ્રાણ છોડયા હતા.
ગણેશ મયારામ ખરવડે (ઉ.વ.૫૪) એકની એક દીકરી પલ્લવીના લગ્ન માટે છેલ્લા એક મહિનાથી હોંશથી તૈયારી કરતા હતા. ગઇકાલે બપોરે વરરાજા આકાશ માંદૂરકર વાજતેગાજતે જાન લઇને આવ્યા પછી લગ્નવિધિ સંપન્ન થઇ હતી. પિતાએ દીકરીને આશીર્વાદ આપ્યા પછી ગણતરીની સેકન્ડમાં હૃદયરોગનો હુમલો થતા મંડપમાં જ ફસડાઇ પડયા હતા અને તેમનું મૃત્યુ થયું હતું.
દીકરીને સાસરે વિદાય કરવાની વેળાએ પિતાએ દુનિયાથી વિદાય લીધી હતી. ગઇકાલે સાંજે મૃતક ગણેશ ખરવડેના અંતિમ-સંસ્કાર કરવામાં આવ્યા પછી દીકરીએ પિયરથી વિદાય લીધી હતી.