Mumbai

17 વર્ષની દીકરીએ એઆઈને પૂછ્યું, જાતીય શોષણ કરતા બાપની ફરિયાદ કેવી રીતે થાય

By GS TEAM
23 Jun 20262 mins read
17 વર્ષની દીકરીએ એઆઈને પૂછ્યું, જાતીય શોષણ કરતા બાપની ફરિયાદ કેવી રીતે થાય

7 વર્ષની હતી ત્યારથી પુત્રી પર રેપ કરતા બાપની ધરપકડ

એઆઈએ પનવેલની તરુણીને ચાઈલ્ડ હેલ્પલાઈનનો સંપર્ક કરવા જણાવ્યું ઃ ત્યાથી પોલીસને જાણ કરાઈ

મુંબઈ -  ન્યુ પનવેલમાં રહેતી એક ૧૭ વર્ષની તરુણીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની મદદથી તેના અત્યાચારી પિતાને પોલીસમાં પકડાવી દીધો હતો. ૧૭ વર્ષની પીડિતા પર તેના જ પિતા છેલ્લા એક દાયકાથી અત્યાચાર ગુજારતા હતા. અંતે સગીરાએ કંટાળીને તેની સાથે થતા દુર્વ્યવહારની જાણ પોલીસને કેવી રીતે કરવી તે એઆઇ પાસેથી શીખ્યું હતું અને તે મુજબ પોલીસમાં ફરિયાદ કર્યા બાદ પોલીસે એક દાયકા સુધી પુત્રીનું જાતીય શોષણ કરનાર નરાધમ પિતા (૫૫)ની ધરપકડ કરી હતી. આરોપી સામે ખાંદેશ્વર પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) અને પોક્સો કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

આ બાબતે પ્રાપ્ત વિગતાનુસાર પનવેલમાં રહેતો ૫૫ વર્ષીય આરોપી વેલ્ડિંગની દુકાન ચલાવે છે. તે છેલ્લા એક દાયકાથી તેની પુત્રી પર અત્યાચાર ગુજારતો હતો. હાલ ૧૭ વર્ષની તરુણી એવી પીડિતાએ અંતે કંટાળીને એઆઇની મદદ લીધી હતી. એઆઇએ તેને ચાઇલ્ડ હેલ્પ લાઇનનો સંપર્ક કરવાનું કહ્યું હતું અને ચાઇલ્ડ હેલ્પ લાઇને આ બાબતથી પોલીસને વાકેફ કર્યા હતા. ત્યાર બાદ ૧૭ જૂનના રોજ ખાંદેશ્વર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ બાબતે નોંધાયેલી એફઆઇઆર મુજબ ૨૦૧૬માં પીડિતા જ્યારે ફક્ત સાતવર્ષની હતી ત્યારે દુર્વ્યવહાર શરૃ થયો હતો. આ દુર્વ્યવહાર કથિત રીતે ન્યુ પનવેલ સ્થિત પરિવારના ઘરે વર્ષો સુધી ચાલ્યો હતો. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે પિતાએ બાળપણમાં વારંવાર તેને જાતીય શોષણનો ભોગ બનાવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે સમય જતા દુર્વ્યવહાર વધતો ગયો હતો. ૨૦૨૪માં પીડિતા તરુણાવસ્થામાં પહોંચ્યા બાદ પણ આરોપીએ તેના પર જાતીય હુમલો કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ત્રણ ભાઈ-બહેનોમાં તે સૌથી નાની છે. તેની માતા ઘણા સમય પહેલા પરિવારને તરછોડીને ચાલી ગઈ હતી. ત્યાર બાદ પિતા તેને સતત નિયંત્રણમાં રાખતા હતા તે જ્યારે એકલી હોય ત્યારે અત્યાચાર કરતા. અંતે તરુણીએ હિંમત બતાવી ફરિયાદ કરતા પોલીસે નરાધમ બાપની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.