Mumbai

ન મુહ છૂપાકે જિયો સહિતનાં ગીતોનાં ડાન્સર એકટ્રેસ મધુમતીનું અવસાન

By GS TEAM
16 Oct 20252 mins read
ન મુહ છૂપાકે જિયો સહિતનાં ગીતોનાં ડાન્સર એકટ્રેસ મધુમતીનું અવસાન

50-60ના દાયકાના મશહુર અભિનેત્રી

અક્ષય કુમાર, ગોવિંદા સહિતના કલાકારો મધુમતીની એક્ટિંગ સ્કૂલના વિદ્યાર્થી

મુંબઇ  -  હિન્દી ફિલ્મોના વિતેલા વર્ષોના મશહૂર નૃત્યાંગના અને અભિનેત્રી મધુમતીનું આજે ૮૭ વર્ષની જૈફ વયે અવસાન થયું હતું. હિન્દી ફિલ્મ જગતમાં ૫૦ અને ૬૦ના દાયકામાં મધુમતીએ અનેક ફિલ્મોમાં નૃત્યાંગના તરીકે પોતાની કલા પ્રદર્શિત કરી હતી. 

આ સાથે એક અભિનેત્રી તરીકે પણ તેણે કામ કર્યું હતું. મશહૂર નૃત્યાંગના હેલનની હમશકલ મધુમતીનો જન્મ રૃઢીચૂસ્ત પારસી પરિવારમાં થયો હતો. તેનું મૂળ નામ હુતોકસી ડોકટર હતું. પણ ફિલ્મોમાં પગ મૂક્યો ત્યારે રણજિત  સ્ટુડિયોવાળા સરદાર ચંદુલાલ શાહે મધુમતી નામ આપ્યુ ંહતું.

મધુમતીએ નવદુર્ગા, પતિતા, મિસ મેરી, શ્રી ૪૨૦, દિલ દિયા દર્દ લિયા સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. હમરાઝ ફિલ્મમાં ન મુ છૂપાકે જિયો ઔર ન સર ઝૂકાકે જિયો ગીતમાં ગોપીકૃષ્ણ સાથે મધુમતીનું નૃત્ય ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. આવી જ રીતે મેરે હુઝૂર ફિલ્મમાં જનક જનક તોરી બાજે  પાયલિયા પણ ખૂબ ગાજ્યુ ંહતું.

સુનીલ દત્ત અને નર્ગિસના અજન્ટા આર્ટ્સના ટ્રુપ દ્વારા સરહદો પર જવાનોના મનોરંજન માટે યોજાતા કાર્યક્રમોમાં મધુમતી અને તેના પતિ મનોહર દિપક સ્ટેજ પર નૃત્ય રજૂ કરતા.

ફિલ્મોમાંથી નિવૃત્તી લીધા પછી મધુમતીએ એક્ટીંગ સ્કુલ શરૃ કરી હતી. અક્ષયકુમાર, ગોવિંદા, ચંકી પાંડેએ આ જ સ્કૂલમાં તાલીમ લીધી હતી. આજે તેમના નિધન બાદ અક્ષય કુમાર સહિતના કલાકારોએ  તેમને અંજલિ આપી હતી. અક્ષય કુમારે જણાવ્યું હતું કે હું તેમની પાસેથી ડાન્સ શીખ્યો હતો. હવે દરેક સ્ટેપ અને એક્સપ્રેશન વખતે તેમની યાદ આવશે.