Mumbai

રૃ.60.82 કરોડના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ ,દંપતી સહિત 12ની ધરપકડ

By GS TEAM
23 Aug 20252 mins read
રૃ.60.82 કરોડના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ ,દંપતી સહિત 12ની ધરપકડ

કાંદિવલીની ઓફિસ પર ક્રાઇમબ્રાંચના દરોડા

ગેંગે ૯૪૩ બેંક ખાતા ખરીદી ૧૮૦ ખાતાનો છેતરપિંડી માટે ઉપયોગ કર્યો ઃ ફ્રોડની રકમ આ ખાતામાં જમા થતી હતી

મુંબઇ -  મુંબઇના વધી રહેલા સાયબર ફ્રોડના કેસ સામેની એક મોટી કાર્યવાહીમાં, મુંબઇ પોલીસે એક મોટા સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ પ્રકરણે દેશના વિવિધ ભાગોમાં લોકો સાથે ૬૦.૮૨ કરોડ રૃપિયાની છેતરપિંડી કરનારા એક  દંપતી સહિત ૧૨ લોકોની ધરપકડ કરવામાં આવી હતી એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

આ સંદર્ભે  પીટીઆઇના અહેવાલ મુંજબ તાજેતરમાં પકડાયેલા આરોપીઓમાંથી પાંચ આરોપીઓએ કથિત રીતે તેમના બેંક ખાતા અને સીમકાર્ડ  વેચ્યા હતા. જેનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે કરવામાં આવ્યો હતો. આ  બાબતે વધુ વિગત આપતા ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડિટેકશન) રાજતિલક રોશને આ ઘટના અંગે જણાવ્યું હતું કે ૧૨ ઓગસ્ટના રોજ કાંદિવલીની એક ઓફિસ પર મુંબઇ ક્રાઇમ બ્રાંચે દરોડા પાડયા હતા ત્યારબાદ આ દંપતીની ધરપકડ ક રવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન અધિકારીઓએ સિમકાર્ડ અને પાસબુક જપ્ત કરી હતી.

ડીસીપી રોશને વધુમાં જણાવ્યું હતું કે આ ગેંગ ૯૪૩ બેંક ખાતાઓ ફ્રોડની રકમ જમા કરવા ખરીદ્યા હતા. જેમાંથી ૧૮૦નો ઉપયોગ છેતરપિંડી માટે કરવામાં આવ્યો હતો. આરોપીઓ ગયા વર્ષથી આ મોડ્સ ઓપરેન્ડીનો ઉપયોગ કરી રહ્યા હતા. રોશને જણાવ્યું હતું કે આ કાર્યવાહી બાદ ૧૨ ઓગસ્ટના રોજ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને બાકીનાની તપાસ દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી આ બાબતે અધિકારીએ વધુ પ્રકાશ પાડતા જણાવ્યુ ંહતું કે આ ગેંગે ૭ થી ૮ હજાર રૃપિયામાં સિમકાર્ડ અને બેંક ખાતા મેળવ્યા હતા અને તેમનો ઉપયોગ ડિજીટલ એરેસ્ટ ઓનલાઇન શોપિંગ ફ્રોડ અને શેર ટ્રેડિંગ ફ્રોડ માટે કરવામાં આવ્યો હતો.

પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે દેશભરના લોકો સાથે આ ગેંગ ૬૦.૮૨ કરોડની છેતરપિંડી કરી હતી અને તે માટે બેંક ખાતાઓ અને સિમકાર્ડનો વ્યાપત ઉપયોગ કર્યો હતો. જેમાં મુંબઇના ૧.૬૭ કરોડ રૃપિયા અને મહારાષ્ટ્રના અન્ય બાગોમાં ૧૦.૫૭ કરોડ રૃપિયાની છેતરપિંડી આચારી હતી.