Get The App

ખુદ ન્યાયધીશ સાથે જ સાયબર ફ્રોડ, 93 હજાર ગુમાવ્યા

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News
ખુદ ન્યાયધીશ સાથે જ સાયબર ફ્રોડ, 93 હજાર ગુમાવ્યા 1 - image

એપીકે ફાઈલ ડાઉનલોડ કરાવી ઉચાપત 

સ્ક્રીન બગડતાં ઓનલાઈન કસ્ટમર કેરનો નંબર શોધ્યો અને ગઠિયો ભટકાઈ ગયો

મુંબઈ  -  મુંબઈના ન્યાયાધીશને વોટ્સએપ પર એપીકે ફાઈલ મોકલીને તેમનો મોબાઈલ એક્સેસ મેળવીને સાયબર ફ્રોડસ્ટરે બેંક ખાતામાંથી રુ. ૯૩ હજારથી વધુની રકમ ઉપાડી લીધી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

વિગત  મુજબ, સ્મોલ કોઝ કોર્ટમાં ફરજ બજાવતા ૪૬ વર્ષીય ન્યાયાધીશે ૩૦ માર્ચે તેના ફોનની સ્ક્રીનમાં સમસ્યા જણાતા તેમણે ઓનલાઈન મોબાઈલ ફોન કંપનીનાના કસ્ટમ કેર નંબરની શોધ કરી હતી. આ બાદ એક નંબર મળતા તેમાં સંપર્ક કર્યો હતો.  આ બાદ સાંજે બીજા એક નંબરથી  કોલ આવ્યો હતો.  આ સમયે એક શખ્સે પોતાને ગ્રાહક સપોર્ટ એક્ઝિક્યુટીવ તરીકે ઓળખાણ આપી હતી.

મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ સમસ્યાનો ઉકેલ લાવવા અને મોબાઈલ  ફોન ડિસ્પલે બદલવા માટે વોટ્સએપ દ્વારા ન્યાયાધીશને એક એપીકે ફાઈલ મોકલી હતી અને તેને ડાઉનલોડ કરવાની સૂચના આપી હતી. આ બાદ ન્યાયાધીશને નોંધણી તરીકે ઓનલાઈન એપ દ્વારા રુ. વીસની નજીવી ફી ચૂકવવાનું પણ કહેવામાં આવ્યું હતું.

આરોપીની વાતમાં આવી જતાં તેની સૂચનો પ્રમાણે આગળ વધતા ન્યાયાધીશે  એપ્લિકેશન ફોનમાં ઈન્સ્ટોલ કરી હતી. જેથી સાયબર ફ્રોડસ્ટરને તેમના મોબાઈલ ફોન અને બેંકિંગ માહિતીનો રિમોટ એક્સેસ મળ્યો હતો. ટૂંક સમયમાં ન્યાયાધીશના બેંક ખાતામાંથી રુ. ૯૩ હજારથી વધુના બે અનધિકૃત વ્યવહારો થયા હતા. 

આ  ઘટના બાદ રાત્રે પોતાનો મોબાઈલ ફોન તપાસતા બેંક ખાતામાંથી પૈસા કપાવવાનો  મેસેજ મળતા ન્યાયાધીશને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. આ બાદ તેમણે તરત જ પોલીસનો સંપર્ક કર્યો હતો. તાડદેવ પોલીસે આ મામલે અજાણ્યા  શખ્સ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. 

નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ સાથે એપીકે ફાઈલ ડાઉનલોડ કરતા રુ. ૬.૦૨ લાખની સાયબર છેતરપિંડી થઈ હતી. પોલીસે આ મામલે ઝારખંડના જામતારાથી એક યુવકની ધરપકડ કરી હતી.