Get The App

છેલ્લા 4 વર્ષમાં સાયબર ગુનાખોરી 400 ટકા વધી, મહારાષ્ટ્ર-યુપી મોખરે

Updated: Aug 5th, 2025

GS TEAM

Google News
Google News
છેલ્લા 4 વર્ષમાં સાયબર ગુનાખોરી 400 ટકા વધી, મહારાષ્ટ્ર-યુપી મોખરે 1 - image


બાળકો સામે થતાં ઓનલાઇન અપરાધોમાં મોટો વધારો 

પહલગામ આતંકી હુમલા બાદ દેશ પર પાકિસ્તાનના હેકિંગ ગુ્રપ્સ દ્વારા પંદર લાખથી વધુ  સાયબર હુમલા કરાયા

મુંબઈ -  ડિજિટલ ઇન્ડિયાના જમાનામાં સાયબર ગુનાખોરીમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. કેન્દ્રના ગૃહ મંત્રાલયે સંસદમાં રજૂ કરેલાં આંકડાઓ અનુસાર છેલ્લા ચાર વર્ષમાં દેશમાં સાયબરગુનાખોરીમાં ચાર ગણો વધારો જોવા મળ્યો છે. આ વર્ષે જ જુન સુધીમાં દેશમાં બાર લાખ કરતાં વધારે સાયબર ગુનાઓ નાંેધાયા છે. જેમાં મહારાષ્ટ્ર ૧.૬ લાખ કેસો સાથે મોખરે છે. રાજ્યસભામાં ગૃહ મંત્રાલયે એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ૨૦૨૧માં ૪.૫ લાખ સાયબર ગુના નોંધાયા હતા તેની સામે ૨૦૨૪માં દેશમાં સાયબર ગુનાની સંખ્યા ૨૨ લાખ કરતાં વધારે જણાઇ હતી. જે ૪૦૧ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. 

દેશમોં સાયબર ગુનાનો ભોગ બનનારાં રાજ્યોમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક મોખરે છે. ૨૦૨૫માં મહારાષ્ટ્રમાં ૧.૬ લાખ, ઉત્તર પ્રદેશમાં ૧.૪ લાખ અને કર્ણાટકમાં એક લાખ સાયબર ગુનાઓ નોંધાયા છે. સાયબર અપરાધના ગુનાઓની સંખ્યાના મામલે છેલ્લા ત્રણ વર્ષથી મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ દેશમાં મોખરે રહ્યા છે. 

છેલ્લા ચાર વર્ષમાં ગુજરાત, ઓડિશા અને કર્ણાટકમાં પણ સાયબર ગુનાખોરીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સાયબર ગુનાઓની સંખ્યામાં ગુજરાતમાં ૮૨૪ ટકા, ઓડિશામાં ૭૮૩ ટકા અને કર્ણાટકમાં ૭૬૩ ટકાનો ઉછાળો આવ્યો હોવાનું જણાયું છે. થિન્ક ટેન્ક ડેટા સિક્યુરિટી  કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ૨૦૨૫ના રિપોર્ટ અનુસાર ગયા વર્ષે દેશમાં દર મિનિટે સરેરાશ ૭૬૧ સાયબર હુમલા થયા હતા. જેનો ભોગ આરોગ્ય ક્ષેત્ર, હોટેલ ઉદ્યોગ અને બેન્કિંગ  ક્ષેત્ર બન્યા હતા. 

ચિંતાજનક બાબત એ છે કે સાયબર ગુનાનો સૌથી વધારે ભોગ બાળકો બની રહ્યા છે.ગૃહ મંત્રાલયના અહેવાલ અનુસાર ૨૦૧૮થી ૨૦૨૨ દરમ્યાન ૩૦૦૦થી વધારે કેસ ચાઇલ્ડ પોર્નોગ્રાફીના નોંધાયા હતા. આ જ અરસામાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરના કિશોરો સામે સાયબર સ્ટોકિંગના ૫૦૦થી વધારે કેસો નોંધાયા હતા. બાળકો સામે ૨૦૨૧માં ૨૫ ટકા સાયબર ગુના નોંધાયા હતા જેનું પ્રમાણ ૨૦૨૨માં વધીને ૩૨.૫ ટકા થઇ ગયું હતું. આ આંકડાઓમાં સોશ્યલ મિડિયા, ચેટ રૃમ અને ઓનલાઇન ગેમિંગ સાથે સંકળાયેલાં ઓનલાઇન ગુનાઓ પણ સામેલ છે. બાળકો સામેના સાયબર ગુનાઓમાં દર વર્ષે સતત વધારો થઇ રહ્યો છે. 

ઇન્ડિયા ટુડેમાં પ્રકાશિત અહેવાલ અનુસાર ૨૦૨૫માં પહલગામ આતંકી હુમલા બાદ ભારતમાં સૌથી વધારે સાયબર હુમલા થયા હતા. પહલગામ આતંકી હુમલા બાદ દેશમાં ૧૫ લાખથી વધારે સાયબર હુમલા થયા હતા. તેમાં સંરક્ષણ, વીજળી, ટેલિકમ્યુનિકેશન્સ, નાણાં અને પરિવહન ક્ષેત્રને નિશાન બનાવવામાં આવ્યા હતા. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર  આ સાયબર હુમલાઓ પાકિસ્તાન અને તેના સહયોગી હેકિંગ ગુ્રપ્સ દ્વારા આયોજનબદ્ધ રીતે કરવામાં આવ્યા હતા.  


Tags :