રાતે 12ના ટકોરે તમામ લોકલનાં હોર્ન વાગ્યાં
દર વર્ષની જેમ આ અનોખી પરંપરાના સાક્ષી બનવા સ્ટેશને લોક મેદની જામી
મુંબઈ - મુંબઇ શહેરના ભવ્ય, પ્રાચીન અને પ્રતિષ્ઠિત સીએસટી સ્ટેશને સાલ ૨૦૨૬નું સ્વાગત દર વર્ષની જેમ એક સાથે લોકલોના હોર્ન વગાડીને થયું હતું. રાતે ૧૨ના ટકોરે સેન્ટ્રલ રેલવેની આ અનોખી પરંપરા નીહાળવા હંમેશની જેમ વિક્ટોરિયન યુગનું સ્ટેશન પ્રવાસીઓથી છલકાયું હતું. પ્રવાસીઓના કેમેરામાં કેદ થયેલો આ પ્રસંગ વ્યાપકપણે સોશિયલ મીડિયા પર ફેલાયો હતો.
એક સામટાં હોર્ન વગાડવાની કેટલાંક વર્ષો પહેલાં શરૃ કરેલી ઇવેન્ટે હવે પ્રથાનું સ્વરૃપ લઇ લીધું છે. દર વર્ષે આ જ રીતે સીએસટી સ્ટેશને રેલવે સ્ટાફ અને પ્રવાસીઓ આનંદભેર નવા વર્ષના સ્વાગત માટે એકઠાં થાય છે. સેન્ટ્રલ રેલવે પ્રશાસને પણ રાતે ૧૨ વાગ્યે પહેલી જાન્યુઆરી ૨૦૨૬ને વધાવનારી ઘટનાના દૃશ્યો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. જેમાં વર્ષ ૨૦૨૫ની વિદાય થતાની સાથે જ સ્ટેશન હોર્નના અવાજથી ગાજી ઉઠે છે અને હેપ્પી ન્યુ યરની ચીસો પાડતા પ્રવાસીઓ અને તાળીઓના ગડગડાટમાં ઉપસ્થિત સહુનો ઉમંગ દેખાઇ આવે છે.


