મુંબઈમાં ક્રાય કલબ કલ્ચર રુ. 499 ચૂકવી યુવક-યુવતીઓ રડવા જાય છે

જાપાનની રુઈકાત્સુ કલબ જેવો મુંબઈ સહિતના મહાનગરોમાં ટ્રેન્ડ
પોતાના જીવનની કરૃણ, આઘાતજનક, સંવેદનશીલ ઘટનાઓને યાદ કરી મોકળા મને રડી હળવા થાય છે
મુંબઇ - મુંબઇ મહાનગરમાં હવે ક્રાય ક્લબ્ઝ (રૃદન કરવા-રડવા માટેની ક્લબ) શરૃ થઇ છે. મુંબઇ આમ તો માહમયી નગરી અને માયાનગરી કહેવાય છે. મુંબઇગરાં ભરપૂર મોજમસ્તી અને આનંદ સાથે જીવવા માટે જાણીતા છે. મુંબઇમાં મનોરંજન અને મોજમસ્તી માટે ડાન્સ ક્લબ, નાઇટ ક્લબ, જાઝ ક્લબ, મ્યુઝિક ક્લબ અમે વિવિધ પ્રકારની ક્લબ્ઝ છે.
જોકે હવે મુંબઇગરાં ૪૯૯ રૃપિયા આપીનેક્રાય ક્લબમાં જઇને પોતાની ભીની અને ઋજુ લાગણી વહાવીને જાહેરમાં રડે છે. મુંબઇમાં આવી ક્રાય ક્લબ્ઝ લોઅર પરેલ, સાકી નાકા, ખાર, ગોરેગાંવ વગેરે પરામાં શરૃ થઇ છે. નવી પેઢીનાં યુવક-યુવતીઓ ક્રાય ક્લબમાં જઇને પોતાના અંગત જીવનમાં બનેલી કરૃણ,દુઃખદ, સંવેદનશીલ ઘટનાઓને યાદ કરે છે. તે ઘટનાઓનું વર્ણન કરતાં કરતાં આંખોમાંથી અશ્રુની ધારા વહાવે છે. રડે છે.
મુંબઇ મહાનગર સપનાંનું શહેર કહેવાય છે. આખા ભારતમાંથી અનેક યુવક -યુવતીઓ પોતાની બુદ્ધિપ્રતિભા ,કૌશલ્ય,કલા રજૂ કરીને નામ અને દામ બંને મેળવવા આ મોહમયી નગરીમાં આવીને વસે છે. હવે જોકે આ જ મુંબઇની યુવાન પેઢી સહિત મોટી વયનાં લોકો પણ પોતાનાં ઇચ્છા,અરમાન પૂરાં કરવા અને સફળતા મેળવવાના સંઘર્ષ દરમિયાન થયેલા વિવિધ પ્રકારના લાગણીસભર પ્રસંગો કોઇને કહેવા ઇચ્છે છે. પોતાના મન-હૃદયનો બોજો હળવો કરે છે.
જાપાનમાં રૃઇકાત્સુ ક્લબ છે. જાપાનીઓ આવી રૃઇકાત્સુ ક્લબમાં જઇને પોતાની લાગણીઓ વહાવે છે. આમ જાપાનની રૃઇકાત્સુ ક્લબની પરંપરામાંથી પ્રેરણા લઇને ભારતનાં મુંબઇ સહિત પુણે,દિલ્હી, બેંગલુરુ, કોલકાતા, ચેન્નાઇ વગેરે મહાનગરોમાં ક્રાય ક્લબ્ઝ શરૃ થઇ છે.
આમ તો આપણા ભારતીય સમાજમાં કોઇ વ્યક્તિ અત્યંત લાગણીશીલ હોય કે તેની આંખોમાંથી આંસુ વહેતાં હોય તો તેને માનસિક રીતે નબળી વ્યક્તિ કહેવાય છે. હવે જોકે આ માન્યતા કે વ્યાખ્યામાં પરિવર્તન આવ્યું હોય તેમ આજની નવી પેઢી પોતાની મનોવેદના, પીડા,સંવેદનશીલતા વહાવીને કે કોઇને કહીને બેઘડી હળવાંફૂલ થવા ઇચ્છે છે. મુંબઇ કે બેંગલુરુ જેવાં મહાનગરમાં પોતાના જીવનની એકલતામાં કોઇનો સહારો અને સધિયારો મળે તેવું ઇચ્છે છે.








