વસઈ પોલીસ સ્ટેશનની જમીન પર કબજો
પોલીસ સ્ટેશનનો મૂળ નકશો પણ ગાયબ કરવામાં આવ્યો હતો, ૧૦ વર્ષના ફોલોઅપ બાદ આખરે કાર્યવાહી
મુંબઈ - વસઈ પોલીસ સ્ટેશનની જમીન ૧૦ વર્ષ પહેલાં હડપ કરીને ખાનગી કંપનીને ટ્રાન્સફર કરવાનો કેસ પ્રકાશમાં આવ્યો છે. આ કેસમાં, વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોેરેશનના ભૂતપૂર્વ ચેરમેન જમીલ શેખ, ભૂતપૂર્વ કમિશનર સતીશ લોખંડે, ભૂતપૂર્વ ડેપ્યુટી કમિશનર, ભૂતપૂર્વ ટાઉન પ્લાનિંગ ડિરેક્ટર સંજય જગતાપ, આકટેક્ટ સંજય નારંગ, પુરાતત્વ વિભાગના અધિકારી સામે વસઈ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો તૈયાર કરવા અને ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની કલમો હેઠળ ગુના નોંધાયા છે.
વસઈ પોલીસ સ્ટેશનના માલિકીની એક હેક્ટર ૮૪ ગુંઠા જમીન ધરાવે છે. આ જમીનનો ૭૨મો સર્વે નંબર ૯ આંતરિક સરકારી જમીન અને પોલીસ વિભાગના નામે છે. આ જગ્યાએ એક પોલીસ સ્ટેશન અને પોલીસ કર્મચારી વસાહત છે. જોકે, વસઈ વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ કોર્પોરેટર જમીલ શેખના ખાનગી પ્રોજેક્ટને ગેરકાયદે બાંધકામની પરવાનગી આપવામાં આવી હતી. મહારાષ્ટ્ર ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ, રસ્તો સાફ કરીને તેને સંબંધિત વિભાગોને ટ્રાન્સફર કરવો ફરજિયાત હતો. જોકે, દસ્તાવેજો ખોટી રીતે તૈયાર કરીને પોલીસ વિભાગ, વિભાગીય કમિશનર, મ્યુનિસિપલ વહીવટ અને કોંકણ વિભાગને સુપરત કરવામાં આવ્યા હતા, જેનાથી તેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા.
આ કેસમાં પોલીસ અધિકારી શશિકાંત કાંબલે અને તેમની પત્ની સુકેશિની કાંબલેએ ફરિયાદ કરી હતી અને ફોલોઅપ શરૃ કર્યું હતું. આ માટે તેઓએ ભૂખ હડતાળ પણ કરી હતી. આ કૌભાંડ કરવા માટે વસઈ પોલીસ સ્ટેશનનો મૂળ નકશો પણ ગાયબ કરવામાં આવ્યો હતો. આખરે, ૧૦ વર્ષના ફોલોઅપ પછી, વસઈ પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધાયા છે.
કોની સામે કેસ નોંધાયા છે?
આ કેસમાં વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર જમીલ શેખ, ગ્રેડ લિજેરિકા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર છોટુ બિસ્મિલા શેખ, આકટેક્ટ સંજય નારંગ અને તેમના અન્ય સહયોગીઓ, ૨૦૧૬ થી ૨૦૧૭ સુધી કાર્યરત વસઈ વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના ભુતપૂર્વ કમિશનર, ભુતપૂર્વ ડેપ્યુટી કમિશનર, ટાઉન પ્લાનિંગ ડિરેક્ટર, ભુતપૂર્વ છઠ્ઠા કમિશનર, પ્રભાગ કમિટી 'એ' અને ૨૦૧૫ માં કાર્યરત પુરાતત્વ વિભાગના તત્કાલીન અધિકારી સામે વસઈ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયા છે.
કયા ગુના નોંધાયા છે?
ભારતીય ન્યાય સંહિતાની કલમ ૪૨૦ (છેતરપિંડી) કલમ ૪૬૫, ૪૬૭, ૪૬૮ (બનાવટી દસ્તાવેજો તૈયાર કરવા) કલમ ૪૭૧ (બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ) કલમ ૪૪૭ (અનધિકૃત પ્રવેશ) કલમ ૧૨૦(બી) (ષડયંત્ર) મહારાષ્ટ્ર પ્રાદેશિક નગર આયોજન અધિનિયમ, ૧૯૬૬થ કલમ ૫૨, ૫૩ (અનધિકૃત વિકાસ, તોડી પાડવું અને દંડ) ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૮થ કલમ ૧૩(૧)(ડ) અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે.


