બિલ્ડરને ત્યાં નકલી સીબીઆઈના દરોડામમાં કોંગ્રેસ નેતા સહિત 4 સામે ગુનો

બોરીવલી રહેતા વસઈના બિલ્ડરને સીબીઆઈના નામે ધાકધમકી
સીબીઆઈમાં તપાસ કરતાં અધિકારીઓ નકલી હોવાની જાણ થઈઃ રાજકીય કિન્નાખોરીથી ફરિયાદનો સમીર વર્તકનો દાવો
મુંબઈ - બોરીવલીમાં રહેતા વસઈ વિરારના બિલ્ડર અનિલ ગુપ્તાના ઘરે નકલી સીબીઆઈના સ્વાંગમાં દરોડો પાડવાના કિસ્સામાં ચાર લોકો સામે કસ્તુરબા માર્ગ પોલીસે ગુનો દાખલ કર્યો છે. આરોપીઓમાં ં મહારાષ્ટ્ર કોંગ્રેસના પર્યાવરણ વિભાગના પ્રદેશ પ્રમુખ સમીર વર્તકનો પણ સમાવેશ છે. જોકે, સમીર વર્તકે પોતાને ખોટી રીતે ફસાવાયાનો દાવો કર્યો છે.
સાઈ રિધમ નામની કંપનીના માલિક ૫૧ વર્ષીય અનિલ ગુપ્તા બોરીવલી-ઈસ્ટમાં કુશલ હેરિટેજ બિલ્ડિંગમાં રહે છે.તેમની ફરિયાદ મુજબ ગયાં વર્ષે બીજી સપ્ટેમ્બરના રોજ બે લોકો તેમના નિવાસસ્થાને આવ્યા હતા. તેમણે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) અધિકારી હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસના પર્યાવરણ વિભાગના પ્રદેશ પ્રમુખ સમીર વર્તતે તેમના વિરુદ્ધ ફરિયાદ આપી હોવાથી તેઓ તપાસ માટે આવ્યા છે. આ શખ્સોએ અનિલ ગુપ્તાને તેમની સાથે નીચે આવવા કહ્યું હતું. જો કે, અનિલ ગુપ્તાએ ના પાડી અને તેમની સામેની ફરિયાદની નકલ માંગી હતી. તે સમયે, તે બંનેએ સમીર વર્તકને ફોન કર્યો અને બોલાવી લીધો હતો. સમીર વર્તક બીજા એક વ્યક્તિ સાથે આવ્યો હતો. તે વ્યક્તિ પણ સીબીઆઈ અધિકારી હોવાનો દાવો કર્યો હતો. અનિલ ગુપ્તાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, ચારેય શખ્સોએ આ ફરિયાદ કેસમાં સમાધાન કરવાની નહીંતર ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી. અનિલ ગુપ્તાએ સમાધાન કરવાનો ઇનકાર કર્યો અને કહ્યું હતું કે જો ફરિયાદ હોય તો કાનૂની કાર્યવાહી થવી જોઈએ. આ બાબતના ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપીને તે ચારેય ત્યાંથી ચાલ્યા ગયા હતા. દરમિયાન, અનિલ ગુપ્તાએ ચકાસણી માટે દિલ્હી સ્થિત સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ઓફિસનો સંપર્ક કરતાં સીબીઆઈએ આ તેની કાર્યવાહી નહીં હોવાનું જણાવ્યું હતું. આ સંદર્ભમાં, ૧૯ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ, સીબીઆઈએ રાજ્યના પોલીસ કમિશનરે એક પત્ર લખીને આ નકલી સીબીઆઈ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ પત્રના આધારે અનિલ ગુપ્તાએ કસ્તુરબા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. અનિલ ગુપ્તાના દરવાજા પરના સીસીટીવી કેમેરાના ફૂટેજ પોલીસને પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા છે.
કસ્તુરબા માર્ગ પોલીસે સમીર વર્તક અને અન્ય ૪ લોકો સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૩(૫) હેઠળ સરકારી જાહેર સેવક (કલમ ૨૦૪) હોવાનો ઢોંગ કરવા, ગણવેશ અથવા તેના જેવી વસ્તુઓનો છેતરપિંડીથી ઉપયોગ કરવા (૨૦૫), ધમકી (૩૫૧) અને ગુનો કરવાના સમાન ઇરાદા બદલ કેસ નોંધ્યો છે.
કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જયરાજ રાણાવરેએ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ અમને જાણ કરી હતી કે તે બધા બોગસ સીબીઆઈ અધિકારીઓ હતા. અમે તપાસ કરી રહ્યા છીએ કે ખરેખર આરોપીઓ કોણ હતા.
બીજી તરફ સમીર વર્તકના દાવા અનુસાર આ ફરિયાદ રાજકીય કિન્નાખોરીથી થઈ છે. મેં અનિલ ગુપ્તા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ સંદર્ભમાં સીબીઆઈ અધિકારીઓએ મને ઘટનાસ્થળે બોલાવ્યો હતો. એટલા માટે જ હું ત્યાં ગયો હતો. હું આ મામલે કોઈપણ તપાસનો સામનો કરવા તૈયાર છું.








