છેડતી કેસમાં ક્રિકેટર પૃથ્વી શોને અરજીનો જવાબ નહીં આપવા બદલ દંડ

વારંવાર જવાબ માગવા છતાં કોર્ટના આદેશની અવગણના
સોશ્યલ મીડિયા ઈન્ફ્લુઅન્સરે કરેલા કેસમાં કોર્ટે રૃ.૧૦૦નો દંડ ફટકારીને છેલ્લી તક આપવામાં આવી
મુંબઈ - કથિત છેડતીના કેસમાં સોશ્યલ મીડિયા ઈન્ફ્લુઅન્સર સપના ગિલે કરેલી અરજીનો જવાબ નહીં આપવા બદલ કોર્ટે ક્રિકેટર પૃથ્વી શોને રૃ. ૧૦૦નો દંડ ફટકાર્યો હતો.
ગિલે એપ્રિલ ૨૦૨૪માં દિંડોશી સેશન્સ કોર્ટ સમક્ષ ફોજદારી રિવિઝન અરજી કરી હતી જેમાં મેજિસ્ટ્રેટના આદેશને પડકારવામાં આવ્યો હતો. આદેશમાં ૨૦૨૨માં અંધેરીના એક પબમાં શો સામે કથિત છેડતી બદલ પોલીસને એફઆઈઆર નોંધવાનો નિર્દેશ અપાવાનો ઈનકાર કરાયો હતો.
સેશન્સ કોર્ટે વારંવાર તારીખો પર અરજી પર શોનો જવાબ માગ્યો હતો. મંગળવારે કોર્ટે ક્રિકેટરને ગત સુનાવણીમાં છેલ્લી તક આપી હતી પણ તેમ છતાં જવાબ નોંધાયો નહોતો. છતાં રૃ. ૧૦૦ના દંડ સાથે વધુ એક તક આપવામાં આવતી હોવાનું જણાવીને કોર્ટે ૧૬ ડિસેમ્બર પર સુનાવણી રાખી છે.
ગિલે પહેલાં અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ નોંધી હતી અને પોલીસ કેસ નોંધવા દાદ માગી હતી. કોર્ટે માત્ર તપાસનો આદેશ આપતાં ગિલે સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી.
ફેબુ્રઆરી ૨૦૨૩માં અંધેરીની હોટેલમાં શો સાથે સેલ્ફી લેવા બાબતે થયેલી કથિત બોલાચાલી બાદ તેના પર હુમલો કરવા સંબંધે ગિલ અને અન્યોની ધરપકડ થઈ હતી. જામીન મળ્યા બાદ ગિલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં શો સામે કથિત વિનયભંગની ફરિયાદ કરી હતી. પોલીસે કેસ નોંધ્યો નહોતો.









