ક્રિકેટ બોર્ડે કોચી ટસ્કરને ૫૩૮ કરોડ ચૂકવવા પડશેઃ લવાદના નિર્ણયને હાઈકોર્ટની બહાલી

બેન્ક ગેરેન્ટીમાં વિલંબ બદલ ટીમ રદ કરવાના બીસીસીઆઈના નિર્ણયને પડકારાયો હતો
હાઈકોર્ટની ટિપ્પણીઃ લવાદે રેકોર્ડના આધારે નિર્ણય આપ્યો છે, આર્બિટ્રેશન એક્ટની કલમ ૩૪ પ્રમાણે હસ્તક્ષેપ થઈ શકે તેમ નથી
મુંબઈ - બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ)ને ફટકો આપીને બોમ્બે હાઈકોર્ટે મંગળવારે ઈન્ડિયન પ્રીમીયર લીગની હાલ નિષ્ક્રિય ટીમ કોચી ટસ્કર્સ કેરલાના માલિકની તરફેણમાં ૫૩૮ કરોડની રકમ જમા કરવાના આદેશને બહાલ કર્યો છે.
સિંગલ જજ છાગલાએ બીસીસીઆઈની લવાદના આદેશ સામેની અરજીને ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે લવાદના તારણો પર કોર્ટ એપેલેટ ઓથોરિટીની જેમ વર્તી શકે નહિ.
૨૦૧૧ની આઈપીએલ સિઝનમાં સહભાગી થયેલી કોચી ટસ્કર્સને બીસીસીઆઈએ ફ્રેન્ચાઈસીના કરારના કથિત ભંગને કારણે પછીના વર્ષથી રદ કરી હતી.
બીસીસીઆઈએ કોચી ફ્રેન્સાઈસીને રદ કરવાનો નિર્ણય કોન્ટ્રેક્ટ ભંગ સમાન છે અને આર્બિટ્રેશન એક્ટની કલમ ૩૪ હેઠળ હસ્તક્ષેપને પાત્ર નથી કેમ કે રેકોર્ડ પરના પુરાવાને આધારે લવાદે નિર્ણય આપ્યો છે.જુદો અભિગમ શક્ય હોવાની બાબત આદેશમાં હસ્તક્ષેપ કરવાનું કારણ બની શકે નહીં એમ હાઈકોર્ટે જણાવ્યું હતું.
રાન્દેવુ સ્પોર્ટ્સ વર્લ્ડ (આરએસડબ્લ્યુ) અને બાદમાં કોચી ક્રિકેટ પ્રાઈવેટ લિ. (કેસીપીએલ) દ્વારા ઓપરેટ થયેલા કોન્સોર્શિયમને અપાયેલી કોચી ટસ્કર્સ કેરેલા ફ્રેન્સાઈસીને બીસીસીઆઈએ સપ્ટેમ્બર ૨૦૧૧માં રદ કરતાં વિવાદ થયો હતો.
ફ્રેન્ચાઈસીના કરાર અનુસાર કેપીસીએલએ એ વર્ષના માર્ચના અંત સુધીમાં બેન્ક ગેરેન્ટી આપવાની હતી જે આપી શકાઈ નહોતી. સ્ટેડિયમની ઉપલબ્ધતા, શેરહોલ્ડિંગની મંજૂરી અને આઈપીએલની મેચોમાં ઓચિંતો ઘટાડો કરવા જેવા વણઉકેલાયેલા પ્રશ્નોને લીધે આમ થયું હોવાનું કહેવાયું હતું.
બીસીસીઆઈએ કેસીપીએલ સાથે કામ ચાલુ રાખ્યું હતું અને રકમ સ્વીકારી હતી પણ ઓચિંતા ફ્રેન્સાઈસી રદ કરીને આરએસ ડબ્લ્યુએ આપેલી આગોતરા ગેરેન્ટીને રોકડી કરી હતી. બંને કેસીપીએલ અને આરએસડબ્લ્યુએ ૨૦૧૨માં ક્રિકેટ બોર્ડ સામે કાનૂની કાર્યવાહી કરીને ખોટી રીતેે ફ્રેન્ચાઈસી રદ કર્યાનો દાવો કર્યો હતો.
૨૦૧૫માં લવાદે તેમની તરફેણમાં આદેશ આપીન ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને કેસીપીએલને રૃ.૩૮૪ કરોડ ચૂકવવા જણાવ્યું હતું અને આરએસડબ્લ્યુને વ્યાજ અને ખર્ચ સાથે રૃ. ૧૫૩ કરોડ પાછા આપવાનો આદેશ આપ્યો હતો.
બીસીસીઆઈએ આદેશને પડકારીને દલીલ કરી હતી કે લવાદે સત્તાથી ઉપરવટ જઈને ખોટી રીતે કાયદો લાગુ કર્યો છે. કોર્ટે જોકે આદેશમાં જણાવ્યું હતું કે બીસીસીઆઈએ પોતાની મુનસફીથી માર્ચ ૨૦૧૧ સુધીમાં ગેેરેન્ટી પૂરી પાડવાની કડક અનિવાર્યતામાં ઢીલ મૂકી હતી. મુદ્દત વીત્યા પછી પણ બીસીસીઆઈએ પેેમેન્ટ સ્વીકાર્યાં હતાં અને વાટાઘાટો ચાલુ રાખી હતી. લવાદનો આદેશ રેકોર્ડને આધારે યોગ્ય છે. કોર્ટે બીસીસીઆઈને અપીલ કરવા છ સપ્તાહનો સમય આપ્યો છે.








