અમદાવાદ પ્લેન ક્રેશ : ક્રૂ મેમ્બર ઈરફાનની માતાને તો ટીવી ન્યૂઝ પરથી પુત્રના મોતની જાણ થઇ
Ahmedabad Plane Crash News : એવિયેશનના ઇતિહાસની દારૂણ વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા એર-ઇન્ડિયાના ક્રુ મેમ્બરોમાંના એક ઇરફાન સમીર શેખનું આ ક્ષેત્રમાં આગળ વધવાનું સપનું ગણતરીની સેકન્ડોમાં જ ચકનાચૂર થઇ ગયું હતું.
પુણે નજીક પિંપરી-ચિંચવડમાં પરિવાર સાથે રહેતા 22 વર્ષના આશાસ્પદ યુવાન ઇરફાન સમીર શેખ બે વર્ષ પહેલા જ કેબીન ક્રૂ તરીકે જોડાયો હતો. ગુરૂવારે તે લંડન જનારી એ.આઇ. 171 ફલાઇટમાં ડયુટી પર છે એવી તેણે ફેમિલીને ફોનમાં જાણ કરી હતી. ત્યાર પછી થોડા સમયમાં સર્જાયેલી ગોઝારી દુર્ઘટનામાં તેનું મૃત્યુ થયું હતું.
ઇરફાનના કાકા ફિરોઝ શેખે જણાવ્યું હતું કે જ્યારે ગુરૂવારે ટીવી પર પ્લેન અકસ્માતના સમાચાર આવ્યા એ જોઇને ઇરફાનના માતા રીતસર ભાંગી પડયા હતા. કારણ તેમને ખબર હતી કે તેમનો વ્હાલો દિકરો આ જ ફલાઇટમાં ફરજ પર હતાં. દુર્ઘટનાની જાણ થતા બાદ તેના માતા-પિતા અને ભાઇ તત્કાળ અમદાવાદ પહોંચી ગયા હતા. અમદાવાદમાં ડી.એન.એ. ટેસ્ટ માટે ઇરફાનના ભાઇના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા.
ઇરફાનના પિતા પિંપરી-ચિંચવડમાં દુકાન ચલાવે છે અને ભાઇ સોફવેર કંપનીમાં જોબ કરે છે. છેલ્લે બકરીઇદ ઉજવવા માટે ઇરફાન ઘરે આવ્યો હતો.