મુંબઈનાં બાવનમાંથી ચોવીસ સ્મશાનમાં હજી પણ લાકડાની ચિતા પર અગ્નિદાહ
બેકરી અને તંદુરમાં લાકડાં-કોલસાની મનાઈ પણ પાલિકાના સ્મશાનોમાં વપરાશ ચાલુ
એક અગ્નિદાહ પાછળ ૩૦૦ કિલો લાકડા બાળવામાં આવે છે ઃ નજીકના ભવિષ્યમાં વધુ ૧૪ સ્માશાનો પર્યાવરણપૂરક બનાવવાની હૈયાધારણા
મુંબઈ - વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે બીએમસીએ બેકરીઓના લાકડા અને તંદુરમાં કોલસા બાળવા પર પ્રતિબંધ મૂકવાનું ફરમાન બહાર પાડયું છે, પરંતુ હજી સુધી પાલિકા પોતાના બાવનમાંથી ચોવીસ સ્માશાનોમાં લાકડાની ચિતાઓ બંધ કરી નથી શકી. પરિણામે દરરોજ સેંકડો ટન લાકડા બાળવામાં આવે છે અને બેકરી કે તંદુર ફેલાવે તેનાં કરતાં અનેક ગણું વાયુ પ્રદૂષણ પાલિકાના સ્મશાનો ફેલાવે છે.
મુંબઈની પાલિકા સંચાલિત ચોવીસ સ્મશાનભૂમિમાં વિદ્યુત-દાહિતી કે ગેસની ચિતાની વ્યવસ્થા નથી એટલે આ સ્માશાનોમાં લાકડાની ચિતા પર અગ્નિદાહ દેવામાં આવે છે. એક મૃત વ્યક્તિના અગ્નિદાહ દેવામાં આવે છે. એક મૃત વ્યક્તિના અગ્નિસંસ્કાર પાછલ ૩૦૦ કિલો લાકડા બાળવામાં આવે છે અને ૨૦૦ રૃપિયા ખર્ચ થાય છે. ઇલેક્ટ્રિક ક્રિમેટોરિયમમાં પ્રતિ દહન ૭૦૦ રૃપિયાનો અને ગેસની ચિતામાં ૬૫૦ રૃપિયાનો ખર્ચ થાય છે. આમ લાકડા બાળવાથી ખર્ચ પણ વધુ થાય છે અને પ્રદૂષણ પણ વધુ ફેલાય છે. આઇઆઇટી-બોમ્બેના રિપોર્ટ મુજબ ૨૦૧૭-૧૮માં મુંબઈની ૮૮ સ્મશાનભૂમિમાં ૪૦ હજાર અગ્નિદાહ પારંપારિક પદ્ધતિ (લાકડાથી) અને નવ હજાર ઇલેક્ટ્રિક સ્મશાનમાં અપાયા હતા.
મહાપાલિકાએ બાવન સ્મશાનભૂમિમાંથી અત્યાર સુધીમાં ૨૮ સ્મશાનોમાં વિદ્યુત અને ગેસ દાહિનીની જોગવાઈ કરી છે, પરંતુ ૧૦૦ ટકા સ્મશાનોને પર્યાવરણપૂરક બનાવવામાં પાલિકાને સફળતા નથી મળી. આ વિશે સવાલ કરવામાં આવતા મહાપાલિકા સત્તાવાળાએ જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં મુંબઈમાં વધુ ૧૪ સ્મશાનભૂમિને પર્યાવરણપૂરક બનાવવા માટે ત્યાં વિદ્યુત દાહિની અને ગેસની ચિતા ગોઠવવામાં આવશે.
બાયોપાસ પેલેટ્સના ઉપયોગથી લાકડાનો વપરાશ ૭૦ ટકા ઘટશે
મૃતદેહના અગ્નિસંસ્કાર માટે બાયોપાસ પેલેટ્સ અથવા બ્રિકેટ્સનો ઉપયોગ કરવાથી લાકડાના વપરાશમાં ૭૦ ટકા ઘટાડો થશે એવો પાલિકાએ દાવો કર્યો છે. આને માટે વિશિષ્ટ પ્રકારની ચિતા અને કમ્બશન ચેમ્બરની રચના કરવામાં આવશે. મુંબઈમાં નવ સ્મશાનોમાં ખાસ પ્રકારની ચિતાની વ્યસ્થા કરવામાં આવશે.
સામાન્ય રીતે એક મૃતદેહના અગ્નિસંસ્કારમાં ૩૦૦ કિલો લાકડા વપરાય છે, પરંતુ પેલેટ્સ બાયોપાસ અને બ્રિકેટ્સનના ઉપયોગથી લાકડાનો વપરાશ એકદમ ઘટી જશે. અગ્નિસંસ્કાર વખતે ઓછામાં ઓછો ધૂમાડો ચિમનીમાંથી બહાર નીકળે છે. આ ખાસ પ્રકારની મંત્રણામાં વોટર સ્ક્રબર અને સાયક્લોનિક સેપરેટર સિસ્ટમ પાણી અને હવાથી વાયુના પ્રદૂષિત ઘટકોનો તીવ્રતા નહિવત કરી નાખશે. ત્યાર પછી ૩૦ મીટર ઊંચી ચિમનીમાંથી ધૂમાડો બહાર છોડવામાં આવશે.