mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

સહારા સામેનો સેબીનો કેસ બંધ કરવા અદાલતનો ઈનકાર

Updated: Nov 20th, 2023

સહારા સામેનો સેબીનો કેસ બંધ કરવા અદાલતનો ઈનકાર 1 - image


બે એજન્સી માહિતીની આપલે કરે તેથી ન્યાયક્ષેત્ર ન બદલાયઃ સેબી

સેબીએ સિરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશનને વિગતો નહીં આપી હોવાથી તેનો કેસ બંધ કરવાની અરજી થઈ હતી

મુંબઇ :  મુંબઈની એક ખાસ અદાલતે સહારા જૂથની કંપનીઓ તથા તેના હવે મૃત્યુ પામી ચૂકેલા વડા સુબ્રતો રોય સહારા સામેની સેબીની કાર્યવાહી બંધ કરવાની અરજી ફગાવી દીધી છે. 

સહારા ઈન્ડિયા રિયલ એસ્ટેટ, સહારા હાઉસિંગ ઈન્વેસ્ટેમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અને સહારા જૂથના દિવંગત વડા સુબ્રતો રોય સહારા વતી આ અરજી અગાઉ કરવામાં આવી હતી. તેમણે આ અરજીમાં એવી દલીલ કરી હતી કે સિરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન  ઓફિસનો અહેવાલ  કોર્ટેને અપાયો નથી આથી સેબીની તપાસ બંધ કરી દેવી જોઈએ અથવા તો કમસેકમ આ અહેવાલ કોર્ટને ન મળે ત્યાં સુધી સેબીની તપાસ પર સ્ટે આપી દેવો જોઈએ. 

સહારા જૂથના એડવોકેટોએ એવી દલીલ કરી હતી કે સેબીએ સિરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશનની તપાસ વિશે અદાલતને માહિતી આપી નથી અને તેથી તેમની સામેની બંને સમાંતર તપાસ ટકી શકે નહીં. 

જોકે, સેબી તરફથી એવી દલીલ થઈ હતી કે સિરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસનો અહેવાલ સેબી માટે બંધનકર્તા નથી. વધુમાં બે સરકારી એજન્સીઓ એકબીજા સાથે માહિતીની આપલે કરે તેના પરથી તેઓ કેસ સોંપી દે છે અથવા તો ન્યાયક્ષેત્રની ફેરબદલ કરે છે એવું કહી શકાય નહીં. તેમણે એવું પણ જણાવ્યું હતું કે સેબી જે બાબતોની તપાસ કરી રહી છે તે તેનાં ન્યાયક્ષેત્રમાં સામેલ જ છે અને તેથી આ કેસને ટ્રાન્સફર કરવા કે પછી આ કેસની કાર્યવાહી પર સ્ટે આપવાની કોઈ જરુર નથી. આ સંજોગોમાં આ કેસ સિરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશનને તબદીલ કરવાની કોઈ જરુર નથી. આરોપો ઘડાયા પછી તેની નોંધ લીધા બાદ અદાલત ગુણદોષના આધારે કોઈપણ ચુકાદો આપી શકે છે. 

ખાસ સેબી જજ એ. એ. કુલકર્ણીએ બંને પક્ષોની સુનાવણી કર્યા બાદ કહ્યું હતું કે સેબી કોઈ કેન્દ્રીય કે રાજ્ય હસ્તકની તપાસ સંસ્થા નથી. તે કાયદા હેઠળ સ્થપાયેલી નિયમનકારી સંસ્થા છે. તેનો હેતુ મૂડી બજાર તથા રોકાણકારોનાં હિતોની જાળવણી કરવાનો છે. અદાલતે નોંધ્યું હતું કે સેબીએ તેની તપાસ પૂર્ણ કરી દીધી છે, બોર્ડનાં તારણો અને ભલામણોના આધારે આ કેસ દાખલ કર્યો છે, ફરિયાદની નોધ લેવાઈ ગઈ છે, આરોપો ઘડાઈ ચૂક્યા છે અને ફરિયાદની સાક્ષીની જુબાની પણ થઈ ચૂકી છે. 

Gujarat