આવો વિલંબ ન ચાલે ૨૪ કલાકમાં અહેવાલ મળવો જોઈતો હતો
સાલિયનના પિતાએ આપેલી પેન ડ્રાઈવ ચકાસાઈ રહી હોવાની દલીલથી હાઈકોર્ટે કહ્યું, તે ચેક કરતાં બે કલાક લાગે, આટલો વિલંબ કેમ
મુંબઈ - સ્ટાર મેનેજર દિશા સાલિયન ડેથ કેસમાં અરજીને હાથ ધરવામાં રાજ્ય સરકારની ધીમી ગતિને લઈને બોમ્બે હાઈ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. અંતિમ અહેવાલ રજૂ કરવામાં થયેલા અનહદ વિલંબને નવા પુરાવાના નામે યોગ્ય ગણી શકાય નહીં એમ પણ કોર્ટે નિરીક્ષણ કર્યું હતું.
કાયદા પ્રમાણે ં આવા અહેવાલ ૨૪ કલાકમાં જ દાખલ થવા જરૃરી છે. કોર્ટે દિશાના પિતા સતિષ સાલિયન અને અન્યોએ કરેલી અરજી પર બે સપ્તાહ મોકૂફ રાખી છે.
દિશાનું મૃત્યુ અકસ્માત નહોતો તેને મૃત્યુ પૂર્વે જાતીય અત્યાચારનો ભોગ બનાવાઈ હોવાનો અરજીમાં દાવો કરાયો હોત.પ્રથમિક તપાસ પૂરી થઈ ગઈ છે અને દિશાનું મૃત્યુ અકસ્માત હતો અને હત્યા કે કાવતરું હોવાનો કોઈ પુરાવો મળ્યો નહોવાનું પોલીસે જણાવ્યું હતું.
આને આધારે પોલીસે દલીલ કરી હતી કે આથી ફોજદારી કેસ નોંધવાની જરૃર નથી અને અરજી ફગાવવામાં આવે એવી વિનંતી કરવામાં આવી હતી. માલવણી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ ઈન્સ્પેક્ટરે સોગંદનામું દાખલ કર્યું હતું.
અરજદારે પેન ડ્રાઈવ મારફત નવા પુરાવા આપ્યા હોવાને કારણે તેની તપાસ ચાલુ છે અને પ્રાથમિક અહેવાલ તૈયાર કરાયો છે અંતિમ અહેવાલ હજી રજૂ થઈ શક્યો ન હોવાનું સરકારે કોર્ટને જણાવ્યું હતું.
પેન ડ્રાઈવ તપાસવામાં કેટલો સમય લાગે? બે કલાક ? કાયદા અનુસાર નવા પુરાવા આધારીત તપાસ અહેવાલ ૨૪ કલાકમાં આપવો જોઈએ. સરકારે વધુ બે સપ્તાહનો મય માગ્યો હતો, અને જણાવ્યું હતું કે વિશેષ એસઆઈટી તપાસ અધિકારી વ્યક્તિગત રીતે હાજર થશે. આથી કોર્ટે સમય આપ્યો હતો.
દિશાના પિતાની અરજીમાં દાવો કરાયો છે કે તેમની પુત્રી પર ગેન્ગરેપ કરીને હત્યા થઈ છે. કેસમાં શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરે સામે પણ આરોપો કરાયા છે. દિશાના માલવણીના ફ્લેટમાં આઠ જૂન ૨૦૨૦ના રોજ મિત્રો સાથે પાર્ટી ચાલી રહી હતી ત્યારે આ ઘટના બની હતી.
પાર્ટીમાં આદિત્ય ઠાકરે, અભિનેતા સૂરજ પંચોલી અને ડીનો મોરિયા પણ આવ્યા હોવાનો આરોપ છે. ઘટના બાદ આદિત્યે વરિષ્ઠ પોલીસ અધિકારીઓનો સતત સંપર્ક કર્યો હોવાનો અરજીમાં દાવો કરાયો હતો.
અરજીમાં એવો પણ દાવો કરાયો છે કે દિશાના મૃત્યુના ગણતરીના દિવસોમાં સુશાંત રાજપૂતનું પણ મોત થયું હતંં અને આદિત્ય ઠાકરેએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા સાથે ૪૪ વાર ફોન પર વાત કરી હતી.


