ફિલ્મ માટે પૈસા લઈને કામ કરવાનો ઈનકાર કર્યાનો આરોપ
ફિલ્મ નિર્માતા રવી અગ્રવાલે કરેલી પોલીસ ફરિયાદમાં પગલાં નહીં લેવાતા કોર્ટમાં અરજી કરી
મુંબઈ - બોલીવુડ અભિનેતા કુણાલ ખેમુ અને તેના પિતા રવી ખેમુ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત બદલ થેલી ફરિયાદ પર પોલીસ પાસેથી કોર્ટે જવાબ મગાવ્યો છે.
જ્યુડિશ્યલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ (અંધેરી) સુજીતકુમાર તાયડેએ ૨૯ ડિસેમ્બરે આપેલા આદેશમાં નોંધ કરી હતી કે તપાસ કરતી વખતે સંબંધીત પોલીસ અધિકારીની રજૂઆત પણ ધ્યાનમાં લેવી જરૃરી છે. કોર્ટે આંબોલી પોલીસ સ્ટેશનના ઈન ચાર્જને નોટિસ જારી કરીને પોતાનો જવાબ નોંધાવવા કહ્યું છે.
ફિલ્મ નિર્માતા રવી અગ્રવાલે ફરિયાદમાં જણાવ્યું હતું કે ખેમુએ બે દાયકા પૂર્વેના ફિલ્મ પ્રોજેક્ટ સંબંધે ધાકધમકી આપીને વિશ્વાસ ઘાત કરીને છેતરપિંડી કરી હતી.
અગ્રવાલે ફરિયાદમાં જણાવ્યું હતું કે ઓવરટેક નામની ફિલ્મના નિર્માણ માટે કુણાલ ખેમુને લીડ રોલ ઓફર કર્યો હતો. કુણાલે કામ કરવાની સંમતિ દર્શાવીહતી. આથી નિર્માતાએ ૨૧ લાખની રકમ અભિનેતાને આપી હતી. જોકે આરોપીએ પોતાનું વચન પાળ્યું નહોતું અને બંનેએ વધારાની રકમ માગી હતી જેને લીધે વ્યાવસાયિક નુકસાન થયું હતું.
પિતાપુત્રે અનેક વાર પોતાની શરતો મનાવી હતી અને પટકથામાં ફેરફાર કરાવ્યો હોવાનો દાવો ફરિયાદમાં કરાયો હતો.તેમ છતાં આરોપીએ ફિલ્મમાં કામ કરવાનો ઈનકાર કરી દીધો હતો.
૨૦૧૪માં અગ્રવાલે કોર્ટમાં ફરિયાદ કરી હતી ૨૦૧૭માં તે ફગાવી દેવાઈ હતી.આરોપીઓ તરફથી નવી ધમકીઓ અને સમજૂતીના પ્રયાસ નિષ્ફળ જવાને લીધે કેસમાં નવા પસાં ઉમેરાયા છે. આથી તેણે જાન્યુઆરી ૨૦૨૪માં આંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પણ કોઈ પગલાં લેવાયા નહોતા.
તમામ ઉપાયો કરી છૂટયા બાદ હાઈકોર્ટનું શરણું લીધું હોવાનું નિર્માતાએ જણાવ્યું હતું. અરજીમાં પોલીસને કેસની તપાસ કરવાનો નિર્દેશ અપાવાની દાદ મગાઈ હતી.


