ડ્રગ્સ કેસમાં આર્મ રેસલર કાયલ કમિંગ્સને મુક્ત કરવાનો કોર્ટનો ઇનકાર

કુરિયર દ્વારા બેલ્જિયમથી કેફી દ્રવ્ય મંગાવવાનો આરોપ
પ્રથમ દ્રષ્ટિએ આરોપી સામે ટ્રાયલ આગળ વધારવા માટે પૂરતા પુરાવા હોવાની નોંધ
મુંબઈ - અહીંની એક કોર્ટે ડ્રગ્સ કેસમાં આર્મ રેસલર કાયલ કમિંગ્સને મુક્ત કરવાનો ઇનકાર કર્યો છે, અને કહ્યું છે કે પ્રથમ દ્રષ્ટિએ તેમની સામે ટ્રાયલ આગળ વધારવા માટે પૂરતા પુરાવા છે.
નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ હેઠળના કેસોના ખાસ ન્યાયાધીશ, એસએમ પાટીલે ગુરુવારે કમિંગ્સની અરજી ફગાવી દીધી હતી.
કોર્ટે જણાવ્યું હતું કે નાણાકીય વ્યવહારોની વિગતો આપતા બેંક સ્ટેટમેન્ટનો સમાવેશ ધરાવતા પોલીસે રજૂ કરેલા પુરાવા ટ્રાયલ આગળ વધારવા માટે પૂરતા હતા.
પુણેના રહેવાસી કમિંગ્સે આંતરરાષ્ટ્રીય આર્મ-રેસલિંગ સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.
ગયા વર્ષે મે મહિનામાં તેની અને તેના બે મિત્રોની કુરિયર દ્વારા બેલ્જિયમથી ૨૮૧ ગ્રામ મેથામ્ફેટામાઇન અથવા એમડીએમએ ગોળીઓ મંગાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
હાલ જામીન પર મુક્ત કમિંગ્સે ગુનામાં તેમની સંડોવણીના કોઈ સીધા પુરાવા ન હોવાના આધારે ડિસ્ચાર્જની માંગણી કરી હતી.
તેમના વકીલે દલીલ કરી હતી કે તેમના કબજામાંથી કોઈ ડ્રગ્સ કે સંબંધિત વસ્તુઓ જપ્ત કરવામાં આવી નથી, અને દાવો કર્યો હતો કે સહ-આરોપીના નિવેદન અને ડમી પાર્સલના આધારે તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા.
ફરિયાદ પક્ષે આરોપ લગાવ્યો હતો કે કમિંગ્સે સહ-આરોપી શ્રવણ જોશીને ગેરકાયદે પદાર્થો ધરાવતું પાર્સલ સ્વીકારવા સૂચના આપી હતી.
તેણે ગુગલ પે દ્વારા ૫૨૮ રૃપિયાનો ડિલિવરી ચાર્જ ચૂકવ્યો હતો અને તે પાર્સલની સામગ્રીથી સંપૂર્ણપણે વાકેફ હતો, એમ તેમાં જણાવાયું છે.પાર્સલમાં ૨૩૦ ગ્રામ એમડીએમએ હોવાનું કહેવાય છે.
કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા પછી અને ચાર્જશીટની સમીક્ષા કર્યા પછી, નોંધ્યું કે કમિંગ્સ પાસેથી કોઈ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું નથી, એવી બચાવ પક્ષના વકીલની દલીલ તેમને છોડી મૂકવા માટે પૂરતી નથી. કોર્ટે જણાવ્યું હતું કે તેમનાં કાર્યો અને અન્ય આરોપીઓ સાથેના સંકલન દ્વારા તેમની સંડોવણી પ્રથમ દૃષ્ટિએ સ્પષ્ટ થઈ ગઈ હતી.








