Mumbai

498(એ)માં સુધારો પાછો ખેંચવાના સરકારના નિર્ણય પર કોર્ટનો સવાલ

By GS TEAM
11 Dec 20252 mins read
498(એ)માં સુધારો પાછો ખેંચવાના સરકારના નિર્ણય પર કોર્ટનો સવાલ

2018 માં વિધાનસભામાં પ્રસ્તાવ પસાર થયો હતો 

રાજ્ય વિધાનમંડળમાં પાસ થયેલો પ્રસ્તાવ એક અમલદાર કઈ રીતે પાછો ખેંચી શકે? તેવો સવાલ

મુંબઈ - ૨૦૧૮માં રાજ્યની વિધાનસભામાં  પ્રસ્તાવ પારીત થયા બાદ મહારાષ્ટ્ર  સરકાર ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ ૪૯૮ (એ)માં સુધારો કરીને તેને સમજૂતીપાત્ર ગુનો બનાવવાના પ્રસ્તાવને પાછો કઈ રીતે ખેંચી શકે ? એવો સવાલ હાઈ કોર્ટે કર્યો છે.

પ્રસ્તાવને રાષ્ટ્રપતિની સંમતિ માટે કેન્દ્ર સરકાર મારફત મોકલાવાયો હતો જોકે સરકારે આ પ્રસ્તાવ જ પાછો ખેંચી લીધાનું કોર્ટને જણાવાયું હતું. આ બાબતની નોંધ લઈને કોર્ટે ઉક્ત સવાલ કર્યો હતો. આ બહુ ગંભીર બાબત છે. રાજ્યના એક્ઝિક્યુટિવ કઈ રીતે સુધારાનો પ્રસ્તાવ પાછો ખેંચી શકે, એમ કોર્ટે મૌખિક રીતે નિરીક્ષણ કર્યું હતું. આ બાબતમાં  કેન્દ્ર પણ અજ્ઞાાત હોવાની ભૂમિકા લઈ શકે નહીં.  આ તકરાર માટેનો મંચ કોર્ટ નહીં વિધાનમંડળ છે. આગામી સુનાવણીમાં કેન્દ્ર અને રાજ્ય પોતાના વલણ સ્પષ્ટ કરે એવી અપેક્ષા રાખીએ છીએ એમ જણાવીને બાબતને કોર્ટે ગંભીર લેખાવી હતી. કોર્ટે વધુ સુનાવણી ૧૬ ડિસેમ્બર પર રાખી છે.

નોંધનીય છે કે હાઈકોર્ટે ઓક્ટોબર ૨૦૨૨માં કેન્દ્રનો જવાબ માગ્યો હતો કે આ કાયદો સમાધાન પાત્ર બનાવી શકાય કે નહીં.

કોર્ટે જણાવ્યું હતું કે રોજની અમારી સામે ૧૦ અરજી આ કલમ હેઠળના કેસને રદ કરવાની આવે છે કેમ કે તે સમાધાન પાત્ર ગુનો નથી. આ માટે સંબંધીત પક્ષકારોએ કોર્ટમાં આવવું પડે છે અને હાડમારી પડે છે પૈસાનો વ્યય થાય છે.

કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે આંધ્ર પ્રદેશની સરકારે કલમને સમાધાનપાત્ર ૨૦૦૩માં જ કરી નાખી છે.  આથી એડિશનલ સોલિસિટર જનરલે સંબંધીત મંત્રાલય સમક્ષ મુદ્દો માંડવો જોઈએ.

એક જ પરિવારના ત્રણ જમ સામે નોંધાયેલા ગુનાને રદ કરવાની અરજીમાં આ નિરીક્ષણ થયું હતું. કોર્ટે નોંધ્યું હતું કે ત્રણે જુદા જુદા  શહેરમાંથી છે અને તેમણે સુનાવણી માટે પુણે, સાતાર અને નવી મુંબઈથી મુંબઈ આવવું પડે છે.

કોર્ટે પુણે હડપસર પોલીસ સ્ટેશનમાં અરજદારો વિરુદ્ધ નોંધાયેલા કેસને રદ કર્યો હતો કેમ કે મહિલા અને સાસરિયા વચ્ચે સમાધાન થયું હતું. ૨૫ લાખમાંથી ૧૦ લાખ અપાતાં મહિલાએ કેસ રદ કરવાની સંમતિ આપી હતી.