Mumbai

સુનીલ શેટ્ટીને એઆઈ ડીપફેક્સ અને ખોટી જાહેરાતો સામે કોર્ટનું રક્ષણ

By GS TEAM
14 Oct 20252 mins read
સુનીલ શેટ્ટીને એઆઈ ડીપફેક્સ અને ખોટી જાહેરાતો સામે કોર્ટનું રક્ષણ

'ગૌરવ ભેર જીવવાના અધિકારનું ગંભીર ઉલ્લંઘન' ઃબોમ્બે હાઈકોર્ટ

ઈકોમર્સ સાઈટ્સ તથા અન્ય વ્યક્તિઓને તથા એક્સ  અને મેટા પ્લેટોફોર્મને ગેરકાયદેસર કન્ટેન્ટ હટાવી લેવા આદેશ

મુંબઈ -   બોમ્બે હાઈકોર્ટે અભિનેતા સુનીલ શેટ્ટીને એઆઈ, ડીપફેક, નકલ અને ઓનલાઈન  ખોટાં એન્ડોર્સમેન્ટ  દ્વારા તેમના વ્યક્તિત્વના અનધિકૃત ઉપયોગ સામે એકતરફી વચગાળાની રાહત આપી છે. ન્યાયાધીશ આરિફ એસ ડોક્ટરની એક જજની બેન્ચે  અનેક જાણીતા અને અજાણ્યા વ્યક્તિઓ તથા ઈ કોમર્સ પ્લેટફોર્મને સુનિલ શેટ્ટીના પર્સનાલિટી રાઈટ્સનો ભંગ નહિ કરવા નિર્દેશ આપ્યા છે.  મેટા તથા એક્સ સહિતનાં પ્લેટફોર્મને પણ સુનિલ શેટ્ટીના અનાધિકૃત ચિત્રણને એક સપ્તાહમાં દૂર કરવા જણાવાયું છે. અદાલતે આ આદેશ આપતાં  આ પ્રકારનો ગેરકાયદે વ્યવસાયિક દુરુપયોગનાં કૃત્યોને ભ્રષ્ટ મન અને ટેકનોલોજીના દુરુપયોગના ઘાતક સંયોજન તરીકે શ્રેષ્ઠ રીતે વર્ણવી શકાય છે જેના પરિણામે અરજદારના વ્યક્તિત્વ અધિકારોને નુકસાન થાય છે.

કોર્ટે ખાસ ચિંતા સાથે નોંધ્યું હતું કે  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અરજદારની ડીપફેક છબિઓનું અનધિકૃત નિર્માણ અથવા અપલોડ કરવું એ માત્ર તેમના વ્યક્તિત્વના અધિકારોનું જ નહીં પરંતુ ગૌરવ સાથે જીવવાના તેમના અધિકારનું પણ ગંભીર ઉલ્લંઘન છે.   અરજદાર અને તેના પરિવારના સભ્યોની એઆઈ જનરેટેડ છબીઓનો અનધિકૃત ઉપયોગ તેમની ગોપનીયતા અને તેમના મૂળભૂત અધિકારો પર સ્પષ્ટ આક્રમણ છે .

શેટ્ટી દ્વારા ભારતના બંધારણની કલમ ૨૧ હેઠળ તેમના વ્યક્તિત્વના અધિકારો, ગોપનીયતા અને ગૌરવના રક્ષણ અને કોપીરાઇટ એક્ટ, ૧૯૫૭ હેઠળ નૈતિક અધિકારોની માંગણી સાથે દાવો દાખલ કરવામાં આવ્યો હતો. સુનિલ શેટ્ટીએ કહ્યુું હતું કે એઆઈ જનરેટેડ અશ્લીલ ફોટોગ્રાફ્સ, સોશિયલ મીડિયા પર મિમિક્રી ઉપરાંત જુગાર ને જ્યોતિષ સેવાઓ આપવાનો દાવો  કરતી વેબસાઈટ્સ દ્વારા તેમનાં ખોટા એન્ડોર્સમેન્ટ અને તેમના ફોટા સાથે ચીજવસ્તુુઓ કે સેવાનું વેચાણ થઈ રહ્યું છે. 

સુનિલ  શેટ્ટી વતી સિનિયર એડવોકેટે   અગાઉ  ગાયિકા આશા ભોંસલે , અનિલ કપૂર , અરિજિત સિંહ અને અન્ય લોકો સાથે સંકળાયેલા દાખલાઓનો ઉલ્લેખ કરીને, તેમણે કોર્ટને તાત્કાલિક એક-પક્ષીય એડ-ટમનલ રાહત જારી કરવા વિનંતી કરી હતી.  અદાલતે વચગાળાનો મનાઈહુકમ આપ્યા બાદ વધુ સુનાવણી તા. ૧૭મી નવેમ્બરે નક્કી કરી છે.