બાળકના જન્મ દાખલામાં પતિને બદલે જન્મદાતા પ્રેમીનું નામ લખવા કોર્ટનો આદેશ
પતિથી છૂટાછેડા વિના પ્રેમી સાથે રહીને બાળકને જન્મ આપ્યો
સુપ્રીમ કોર્ટના ચુકાદા છતાં પાલિકા, મેજિસ્ટ્રેટે અરજી નકારતાં હાઈકોર્ટ નારાજઃ સૂતિ વખતે પતિ સાથે હોવાથી તેનું નામ લખાયું હતું
મુંબઈ : છૂટાછેડા થયા પહેલાં જ પ્રેમી સાથે લિવ ઈનમાં રહીને તેના બાળકને જન્મ આપ્યા બાદ બાળકના જન્મદાખલામાં પતિને બદલે જન્મદાતા પ્રેમીનું નામ નાખવાની મહિલાની અરજીને હાઈ કોર્ટે માન્ય કરી છે. ભુલમાં પિતા તરીકે પતિનું જ નામ નોંધાઈ જતાં મહિલાએ હાઈ કોર્ટમાં અરજી કરવી પડી હતી.
જન્મ દાખલા પર પિતાનું નામ એક વાર નોંધવામાં આવે કે તેને બદલવાનો અધિકાર અમને નથી એમ નવી મુંબઈ પાલિકાએ જણાવ્યું હતું. આ કેસમાં જન્મ, મૃત્યુ નોંધણી કાયદો લાગુ થતો નથી, એમ મેજિસ્ટ્રેટ કોર્ટે પણ સ્પષ્ટ જણાવ્યું છે. આથી હાઈ કોર્ટમાં માતાએ દાખલ કરેલી અરજી પર પાલિકાને જવાબ નોંધાવવા બે સપ્તાહનો સમય આપ્યો હતો.
આ કેસની હકીકત અત્યંત વિચિત્ર છે, એવી નોંધ કરીને આવા કેસમાં સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટે વિશિષ્ટ ચુકાદા આપ્યા હોવા છતાં નવી મુંબઈ મહાપાલિકા અને ફર્સ્ટ ગ્લાસ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટે લીધેલી ભૂમિકા સમજ બહાર હોવાનું નોંધીને ન્યા. ગૌતમ પટેલ અને ન્યા. કમલ ખાટાએ નારાજગી નોંધાવી હતી.
એક પાલક કે અવિવાહિત મહિલાએ બાળકના જન્મ દાખલા માટે અરજી કરે તો તેની પાસે સોગંદનામા પર સંબંધીત માહિતી લેવી અને જન્મ દાખલો આપવો એવો સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે.હાઈ કોર્ટે પણ એક કેસમાં પિતાનું નામ જન્મ દાખલા પરથી કાઢી નાખવાના સુપ્રીમકોર્ટે આપેલા આદેશનો આધાર લઈને હાઈ કોર્ટે પાલિકાને જન્મદાખલામાં પિતાનું નામ નોંધવાનો આદેશ આપ્યો હતો.
બાળકના જન્મદાતા પિતાએ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને મહિલાની અરજીને સમર્થન પણ આપ્યું હોવાથી પાલિકાએ જ્નમદાખલામાં સુધારો કરીને પિતાનું નામ બદલવું એવો આદેશ કોર્ટે આપ્યો છે.
અરજી કરનારી મહિલાના લગ્ન ૨૦૧૭માં થયા હતા. એક વર્ષમાં જ દંપતીએ છૂટા થવાનું નક્કી કરતાં છૂટાછેડા માટે અરજી કર્યા બાદ જુદા રહેતા હતા. એ વખતે મહિલા બીજા પુરુષ જોડે લિવ ઈનમા ંરહેતી હતી અને તેમાં ગર્ભવતી રહી હતી. પ્રસૂતિ સમયે પતિ તેની સાથે હતો. તેણે હોસ્પિટલમાં દાખલ કરાવી અને બાળકનો જન્મ થતાં પિતા તરીકે પોતાનું નામ આપ્યું હતું. જન્મના દાખલામાં પણ તેનું જ નામ રખાયું હતું.
બાળકનો જન્મદાતા જુદો હોવાનું જણાવીને તેનું નામ દાખલા પર હોવું જોઈએ એવી વિનંતી માતાએ નવી મુંબઈ પાલિકાને કરી હતી. પાલિકાએ નામ બદલવાનો પોતાને અધિકાર નહોવાનું જણાવ્યું હતું. મહિલાએ આની સામે ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરી હતી. આ કેસમાં જન્મ મૃત્યુ કાયદો લાગુ થતો નથી, એમ કોર્ટે જણાવીને રાહત આપવાનો ઈનકાર કર્યો હતો.
મહિલાએ આખરે હાઈ કોર્ટમાં અપીલ કરી હતી. પોતે લિવ ઈનમાં રહેતી હતી ત્યારે છૂટાછેડા થયા નહોતા. બાળક થયું ત્યારે પતિ સાથે હતો અને હોસ્પિટલે ભુલમાં તેનું નામ પિતા તરીકે નોંધ્યું હતું. ખરેખર લિવઈનમાં જેની સાથે રહેતી હતી તે બાળકનો પિતા છે અને તેનું નામ દાખલામાં હોવું જોઈએ એમ અરજીમાં જણાવ્યું હતું.