Mumbai

વાનખેડે બદનક્ષી કેસમાં તપાસ અહેવાલ ન આપતાં પોલીસને કોર્ટની નોટિસ

By GS TEAM
4 Jul 20252 mins read
વાનખેડે બદનક્ષી કેસમાં તપાસ અહેવાલ  ન આપતાં પોલીસને કોર્ટની નોટિસ

વાનખેડેની બહેને  નવાબ મલિક સામે ફરિયાદ કરી હતી

જાન્યુઆરીમાં આદેશ આપવા છતાં હજી અહેવાલ રજૂ નહીં કરતાં આંબોલી પોલીસને નોટિસ

મુંબઈ -  નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની બહેને એનસીપીના નેતા નવાબ મલિક સામે બદનામી કરવા અને પાછળ પડી જવાની કરેલી ફરિયાદમાં તપાસ અહેવાલ રજૂ નહીં કરવા બદલ કોર્ટે મુંબઈ પોલીસને કારણદર્શક નોટિસ ફટકારી છે.

બાંદરાના એડિશનલ ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ આશિષ આવરીએ જાન્યુઆરીમાં આરોપી સામે  તપાસનો આદેશ આપ્યો હતો. મેજિસ્ટ્રેટને કાયદા હેઠળ કેસની તપાસ કરાવવા અથવા તપાસનો નિર્દેશ અપાવાની સત્તા છે. કોર્ટે પોલીસને તપાસનો અહેવાલ રજૂ કરવાનું જણાવ્યું હતું જોકે તપાસ એજન્સીએ અહેવાલ  હજી દાખલ કર્યો નથી. આથી કોર્ટે જોગેશ્વરીમાં આવેલા આંબોલી પોલીસ સ્ટેશનને કારણદર્શક નોટિસ જારી કરી હતી.

ફરિયાદમાં વાનખેડેની બહેન યાસ્મિન વાનખેડેએ માજી પ્રધાન મલિક પર ટ્વીટ, ટીવી મુલાકાતમાં જૂઠાણા અને બદનક્ષી કરતા તેમ જ ક્ષોભજનક આરોપો કરવાનો તેમ  સોશ્યલ મીડિયા પર પોતાને સ્ટોકિંગ કરવાનો આરોપ મૂક્યો હતો.

ફરિયાદ અંધેરી કોર્ટમાં ૨૦૨૧માં કરાઈ હતી બાદમાં બાંદરાની સાંસદ વિધાનસભ્ય સામેના કેસની વિશેષ કોર્ટમાં ટ્રાન્સફર કરાઈ હતી. 

સમીર વાનખેડે હાઈ પ્રોફાઈલ ડ્રગ સંબંધી કેસ હાથ ધરવા તેમજ ડ્રગ રેકેટ ખુલુ પાડવામાં સક્રિય રીતે સંકળાયેલા હતા. આમાંનો એક કેસ મલિકના જમાઈ સમીર ખાન સામે નોંધ્યો હતો. આથી પોતાની સામે અને પોતાના પરિવાર ના સભ્યો સામે મલિકે અંગત રાગદ્વેષ રાખીને ખોટા બદનામી કરતા આરોપો કરવાનું ચાલું કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.પરિવારને દબાણમાં લાવવાના બગઈરાદે આરોપો કરાતા હોવાનું જણાવાયું હતું.