Mumbai

પીએનબી કૌભાંડમાં નીરવ મોદીના બનેવીને કોર્ટે માફીનો સાક્ષી બનાવ્યો

By GS TEAM
27 Sep 20252 mins read
પીએનબી કૌભાંડમાં નીરવ મોદીના બનેવીને કોર્ટે માફીનો સાક્ષી બનાવ્યો

પીએનબી સાથે ૧૩,૦૦૦ કરોડથી વધુના નાણાંની ઉચાપત  

ગુના અને સંબંધિત દરેક વ્યક્તિ વિશે તમામ સાચી જાણકારી આપવાની શરતે મયંક મહેતાની અરજીનો સ્વીકાર

મુંબઈ -  પંજાબ નેશનલ બેંક (પીએનબી) કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં ફરાર ઉદ્યોગપતિ નીરવ મોદીના બનેવી મયંક મહેતાને  વિશેષ કોર્ટે માફી આપતાં તેઓ સરકારી સાક્ષી બની ગયા છે.

સીબીઆઈના ખાસ ન્યાયાધીશ એ.વી. ગુજારાથીએ ૨૨ સપ્ટેમ્બરના રોજ મહેતાની માફીની અરજીને એ શરતે મંજૂરી આપી હતી કે તેઓ ગુના અને સંબંધિત દરેક વ્યક્તિની જાણકારીમાં રહેલી સમગ્ર પરિસ્થિતિનો સંપૂર્ણ અને સાચો ખુલાસો કરશે. 

માફી બાદ આરોપીને કેસમાં સાક્ષી તરીકે ચિહ્નિત કરવામાં આવશે, એમ આદેશમાં જણાવાયું છે, જેની નકલ શુક્રવારે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. બ્રિટિશ નાગરિક અને લગભગ ૩૫ વર્ષથી હોંગકોંગમાં રહેતા મહેતા  કેસમાં આરોપી છે. પોતાની અરજીમાં  મહેતાએ દલીલ કરી હતી કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ નોંધાયેલા કેસોમાં તેમને પહેલાથી જ માફી આપવામાં આવી છે, જેમાં પૂર્વનિર્ધારિત ગુનો - સીબીઆઈ કેસ - સમાન છે. મહેતાએ એમ પણ રજૂઆત કરી હતી કે તેઓ કાર્યવાહીમાં ભાગ લેવા માટે સપ્ટેમ્બર ૨૦૨૧ માં સ્વેચ્છાએ ભારત આવ્યા હતા.

મહેતાનું પ્રતિનિધિત્વ કરનારા વકીલેે જણાવ્યું હતું કે આરોપીએ અનેક પાસાઓમાં ફરિયાદ પક્ષ અને ભારત સરકારને મદદ કરી છે. મહેતાએ માફી માટે વિનંતી કરતા કહ્યું કે તેઓ આ બાબતને લગતા તેમની જાણકારીમાં રહેલા સંજોગોનો સંપૂર્ણ અને સાચો ખુલાસો કરવા તૈયાર છે.

સરકારી વકીલ અરવિંદ આઘાવ દ્વારા રજૂ કરાયેલા ફરિયાદ પક્ષે મહેતાની અરજીનો વાંધો ઉઠાવ્યો ન હતો, અને સ્વીકાર્યું હતું કે અગાઉ સમાન પીએમએલએ કેસોમાં માફી આપવામાં આવી હતી.

 કોર્ટે કહ્યું હતું કે હાલમાં પ્રવર્તમાન તથ્યો અને સંજોગોમાં, કાર્યવાહીમાં ભાગ લેવા માટે આરોપીને શક્ય તેટલી વહેલી તકે ભારત લાવવા માટે ફરિયાદ પક્ષ જરૃરી પગલાં લેશે. 

કરોડો રૃપિયાના પીએનબી (પંજાબ નેશનલ બેંક) કૌભાંડમાં ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી અને તેનો ભાણેજ નીરવ મોદી મુખ્ય આરોપી છે, જેની તપાસ સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ બંને દ્વારા કરવામાં આવી રહી છે.

તેમના પર મુંબઈમાં બેંકની બ્રેડી હાઉસ શાખાના અધિકારીઓને લાંચ આપીને લેટર્સ ઓફ અંડરટેકિંગ (એલઓયુ) અને ફોરેન લેટર્સ ઓફ ક્રેડિટ (એફએલસી)નો ઉપયોગ કરીને પીએનબી પાસેથી ૧૩,૦૦૦ કરોડ રૃપિયાથી વધુનાજનતાના નાણાંની ઉચાપત કરવાનો આરોપ છે.

ચોક્સી બેલ્જિયમની કોર્ટમાં પ્રત્યાર્પણની કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે, જ્યારે મોદી લંડનની જેલમાં બંધ છે.