તપાસ પૂર્ણ થઈ ગયાનું જણાવી જામીન માગ્યા
પાણી ઉડવાને લઈને કાર ચાલકની મારપીટ કરી હોવાનો આરોપ
મુંબઈ - મઝગાંવ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટે રોડ રેજ એસોલ્ટ કેસમાં ક્રિકેટર યુસુફ પઠાણના સસરા ખાલિક ખાન સહિત ત્રણ આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી.
બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે બંને પક્ષોએ એકબીજા પર સમાન રીતે હુમલો કર્યો છે અને ફરિયાદી અને અન્ય લોકો સામે ક્રોસ-એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. તેમણે વધુમાં રજૂઆત કરી હતી કે ખાલિક ખાન એક વરિષ્ઠ નાગરિક છે અને ગુનામાં તેની કોઈ ભૂમિકા નથી. તેમણે કહ્યું કે પોલીસે પહેલાથી જ સીસીટીવી ફૂટેજ અને કથિત હથિયારો જપ્ત કરી લીધા છે અને તપાસ લગભગ પૂર્ણ થઈ ગઈ છે, જેના આધારે જામીન મંજૂર કરવા જોઈએ. સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપી જામીન માટે સેશન્સ કોર્ટમાં જાય તેવી શક્યતા છે.
ભાયખલા પ ોલીસે સોમવારે ખાલિક ખાન (૬૬), તેના પુત્ર ઉમરશાદ અને એક સંબંધી સોહેબ ખાનની ધરપકડ કરી હતી. આ ઘટના શનિવારે રાત્રે બની હતી જ્યારે ફરિયાદી યુસુફ ખાન પોતાની કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા. તેમણે કથિત રીતે ખાડામાંથી ગાડી ચલાવી અને શોએબ પઠાણ પર પાણી ઉડયું હતું. યુસુફ ખાને રોકાઈને માફી માંગી, પરંતુ શોએબે ગુસ્સામાં આવીને તેમના પર હુમલો કર્યો અને તેમની કારના કાચને નુકસાન પહોંચાડયું.
ત્યારબાદ યુસુફ ખાન ઘરે ગયો અને તેના પરિવારને જાણ કરી, જેમણે પોલીસ ફરિયાદ નોંધાવવાનો આગ્રહ રાખ્યો. બાદમાં, જ્યારે યુસુફ ખાન અને તેનો પરિવાર તેમના મકાનમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે શોએબ પઠાણ, ખાલિક ખાન અને ઉમરશાદ (એક બિલ્ડર) સાથે મળીને કથિત રીતે ફરીથી તેમનો સામનો કર્યો અને યુસુફ ખાન અને તેના ભાઈ સલમાન પર વાંસની લાકડીઓથી હુમલો કર્યો હોવાનો આરોપ છે.


