ડોમ્બિવલી ગેરકાયદે ઈમારતો મુદ્દે થાણે પોલીસ કમિશરને કોર્ટ કન્ટેમ્પની નોટિસ
ઈમારતો ખાલી કરાવવા આદેશ છતાં અમલ ન કરાયો ૬૫
પોલીસે સહકાર ન આપ્યો એટલે ડિમોલિશન ન કર્યું ઃ વિવિધ સરકારી એજન્સીઓએ એકબીજા પર દોષનો ટોપલો ઢોળ્યો
મુંબઇ - થાણે જિલ્લાના ડોમ્બિવલી શહેરમાં ૬૫ ગેરકાયદે ઇમારતના કેસમાં થાણેના પોલીસ કમિશનર આશુતોષ ડુંબરેને કોર્ટના અવમાનની નોટિસ ફટકારવામાં આવી હતી. કલ્યણ-ડોમ્બિવલી પાલિકાએ આ ૬૫ ગેરકાયદે ઇમારતો ખાલી કરવા પોલીસને ઘણીવાર જાણ કરી હતી. જોકે પોલીસે વારંવાર ઇનકાર કર્યો હતો.
ડોમ્બિવલીમાં ભૂમાફિયાઓએ નકલી રજાચિઠીના આધારે ગેરકાયદે ઈમારતો બાંધી મહારેરામાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. મહારેરાના આ નંબર મેળવવાથી ઘર ખરીદનારાઓમાં એવી છાપ ઉભી થઇ હતી કે આ ઇમારતો તમામ જરૃરી પરવાનગી ધરાવતી સત્તાવાર ઇમારતો છે. ત્યારબાદ આ ગેરકાયદે ઇમારતોને બોમ્બે હાઇકોર્ટે તોડી પાડવાનો આદેશ આપ્યો હતો તેમ છતાં કલ્યાણ-ડોમ્બિવલી મહાનગર પાલિકા અને પોલીસે આ ઇમારતોને તોડી પાડવાનું ટાળ્યું હતું. તેથી અરજીકર્તા પાટીલે પાલિકા અને પોલીસ સામે બોમ્બે હાઇકોર્ટમાં અવમાન યાચિકા (કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ) દાખલ કરવાની તૈયારી કરી હતી.
અરજીકરનાર પાટીલે અર્બન ડેવલપમેન્ટ વિભાગના ચીફ સેક્રેટરી, કમિશનર, ભૂતપૂર્વ કમિશનર, અર્બન ડેવલપમેન્ટ વિભાગના જોઇન્ટ ડાયરેકટર, મહારેરા અધિકારી અને પાલિકાના અધિકારીઓને અવમાન બાબત કાર્યવાહી અંગે નોટિસ બજાવી હતી. આ પ્રકરણે પોલીસની પણ ખૂબ મહત્વની ભૂમિકા હતી. આ ભૂમિકા પણ પોલીસે પાર પાડી નહોતી.
આ ૬૫ ગેરકાયદે ઇમારતોને તોડી પાડવાનો આદેશ આપતી વખતે બોમ્બે હાઇકોર્ટના તત્કાલિન ચીફ જસ્ટીસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જજ જસ્ટીસ અમીર બોરકરે જણાવ્યું હતું પાલિકા આ ગેરકાયદે ઇમારતોને તોડવાનું કામ હાથમાં લે જો આ ઇમારતમાં લોકો રહેતા હોય તો તેમને દૂર કરવામાં આવે અને આ ઇમારતોને વહેલી તકે તોડી પાડવામાં આવે. આ કામમાં જો કોઇ વિઘ્ન આવતું હોય તો પોલીસ તરફથી આવશ્યક પોલીસ બંદોબસ્ત પૂરો પાડવામાં આવે તેવા નિર્દેશ કરવામાં આવ્યો હતો.
ગયા મહિને ડોમ્બિવલીની આ ૬૫ ગેરકાયદે ઇમારત પ્રકરણે બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી. આ સમયે કલ્યાણ-ડોમ્બિવલી પાલિકા તરફથી તેમના સલાહકાર એડ. એ.એસ. રાવે કોર્ટને જણાવ્યું હતું કે ડોમ્બિવલીની ૬૫ ગેરકાયદે ઇમારતોન ખાલી કરાવવા માટે કલ્યાણ-ડોમ્બિવલી પાલિકાએ ઘણીવાર પોલીસને જાણ કરી હતી પણ પોલીસે કાયમ તેમને નકાર આપ્યો હતો. હાઇ-કોર્ટ આદેશ આપ્યા બાદ પાલિકા સાથે પોલીસે ડોમ્બિવલીની ૬૫ ગેરકાયદે ઇમારતોમાંથી એકપણ ઇમારત તોડવાની તસ્દી લીધી નહોતી.
ગેરકાયદે ઇમારતના વિષયે હાઇકોર્ટે અતિશય આક્રમક બની જતા કલ્યાણ-ડોમ્બિવલી પાલિકા પ્રશાસન અને પોલીસે ૬૫ ગેરકાયદે ઇમારતોને તોડવામાં સમય વેડફી નાંખ્યો હતો તેથી શાસન, પાલિકા અને પોલીસને મોટો ફટકો પડે તેવી શક્યતા વર્તાવવામાં આવી રહી છે. રાજ્ય સરકારે ડોમ્બિવલીની ૬૫ ગેરકાયદે ઇમારતો બચાવવા માટે સ્થાનિક રહિશોની માગણી મુજબ સકારાત્મક પગલા ઉપાડવાની શરૃઆત કરી છે.