Mumbai

જજ વતી 15 લાખની લાંચ લેતો કોર્ટ કલાર્ક ઝડપાયો : જજ વોન્ટેડ

By GS TEAM
13 Nov 20252 mins read
જજ વતી 15 લાખની લાંચ લેતો કોર્ટ કલાર્ક ઝડપાયો : જજ વોન્ટેડ

એડિશનલ સેશન્સ જજ લાંચ કેસમાં આરોપી હોવાનો જવલ્લે જ બનતો કેસ

જમીન કેસમાં ઈચ્છિત ચુકાદો આપવા પચ્ચીસ લાખ માગ્યાઃ વાટાઘાટ બાદ ૧૫ લાખમાં સોદો નક્કી થયોઃ જજને ફોન કરી પેમેન્ટ કન્ફર્મ પણ કર્યું

મુંબઈ: જમીનને લગતા એક વિવાદમાં જોઈતો ચુકાદો આપવા માટે  જજ વતી ૧૫ લાખ રૂપિયાની લાંચ કથિત રીતે સ્વીકારતા સિવિલ કોર્ટના કલાર્ક-કમ-ટાઈપિસ્ટની ધરપકડ કરવામાં આવી છે તેવું એસીબી અધિકારીઓએ કહ્યું હતું. એક એડિશનલ સેશન્સ જજ વતી તે લાંચ સ્વીકારતા હતા તેવું પ્રથમદર્શી પ્રતીત થઈ રહ્યું છે. જજને વોન્ટેડ આરોપી   ગણવામાં આવ્યા છે. પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ એડિશનલ સેશન્સ જજની સામે ફરિયાદ નોંધવામાં આવી છે તેવી ઘટના તાજેતરના વર્ષોમાં કદાચ પહેલીવાર બની છે.

મઝગાંવ સિવિલ કોર્ટના એડિશનલ સેશન્સ જજ એજાઝુદ્દિન સલ્લાઉદ્દિન કાઝી વતી લાંચ સ્વીકારતાં કોર્ટ કલાર્ક ચન્દ્રકાન્ત વાસુદેવ ઝડપાયો હતો.  કંપનીની માલિકીની જમીનનો બળજબરીથી કબજો લેવા બદલ બોમ્બે હાઈકોર્ટ સમક્ષ  રિટ પિટિશન કરનારી  મહિલાના પતિએ  એસીબીને આ ફરિયાદ કરી હતી. હાઈકોર્ટે ૨૦૧૬માં આપેલા એક ચુકાદામાં વિવાદિત જમીનમાં ત્રાહિત પક્ષકારના હક્કો સર્જવા પર મનાઈહુકમ ફરમાવ્યો હતો. જમીનનું મૂલ્ય ૧૦ કરોડથી ઓછું હોવાથી આ કેસ મઝગાંવની સિવિલ સેશન્સ કોર્ટને ટ્રાન્સફર કરાયો હતો. 

ફરિયાદી પાસેથી શરૂઆતમાં રૂ. પચ્ચીસ લાખની માગણી કરવામાં આવી હતી  આ રકમમાં કથિત રીતે કલાર્કનો હિસ્સો રૂ.૧૦લાખ અને એડિશનલ સેશન્સ જજ નો હિસ્સો ૧૫ લાખ હતો. બાદમાં વાટાઘાટ કરીને લાંચની રકમ ઘટાડીને  રૂ.૧૫ લાખ કરવામાં આવી હતી.

એસીબીએ  મંગળવારે કલાર્કની ધરપકડ કરી હતી. કલાર્ક  ફરિયાદીને  ચેમ્બુરની કોફી શોપમાં મળ્યા હકા જ્યાં રૂ.પચ્ચીસ  લાખની માગણી કરવામાં આવી હતી. ફરિયાદીએ રકમ આપવાનો ઈન્કાર કર્યો હતો. અને કલાર્કે તેને કથિત રીતે વારંવાર  કોલ કરીને લાંચની માગણી કરી હતી. ફરિયાદીએ એલસીબીમાં ૧૦મી નવેમ્બરે ફરિયાદ લખાવી હતી. એસીબીની સૂચનાઓને આધારે  ફરિયાદી કોર્ટના પ્રાંગણમાં કલાર્કને મળ્યો હતો અને રૂ.૧૫ લાખ ચૂકવવા સંમત થયો હતો. કલાર્કે જજને ફોન કરી પેમેન્ટની વાત કરી હતી અને જજે કથિત રીતે હા પાડી હતી. કલાર્કને ઝડપી લેવાયો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી.

કલાર્કને પાંચ દિવસની પોલીસ કસ્ટડી આપવામાં આવી છે જ્યારે જજ વોન્ટેડ આરોપી છે. વધુ તપાસ ચાલી રહી છે તેવું અધિકારીએ કહ્યું હતું.