ગેસ ટ્રેબલના કારણે મુશ્કેલી સર્જાઈ
માંગ વધતાં હવે તો કોલસાની કિંમત પણ બમણી થઈ ગઈ છે ઃ ભોજન અને નાસ્તાનું મેનુ ટૂંકાવી દેવાયું
મુંબઈ - ઈરાન- અમેરિકા યુધ્ધને પાયે ગેસની અભૂતપૂર્વ કટોકટી સર્જાઈ હોવાથી દક્ષિણ મુંબઈની સરકારી ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ માટે કેન્ટીનમાં કોલસાની મોટી મોટી સગડીઓ પર રસાઈ બનાવવામાં આવી રહી છે. છેલ્લાં ત્રણ અઠવાડિયાથી આ રીતે કોલસાની સગડી અને ચૂલા ઉપર આંધણ ચડાવવામાાં આવે છે.
કેન્ટીનના સંચાલક નાગરાજના જણાવ્યા પ્રમાણે સિલિન્ડર મળતા ન હોવાથી આ રીતે કોલસાની સગડી પેટાવીને રાંધવાનો વારો આવ્યો છે. હોટેલો, રેસ્ટોરાં અને ઉપહારગૃહોવાળા કોલસા વાપરતા થઈ ગયા હોવાથી કોલસાના ભાવ પણ બમણાં થઈ ગયા છે. કોલસા અગાઉ ૩૨ રૃપિયે કિલો મળતા તેને બદલે અત્યારે લગભગ ૬૪-૬૫ રૃપિયે કિલો વેંચાય છે. આમ ગેસ કટોકટીને લીધે અમારી મુશ્કેલી અને ખર્ચમાં વધારો થયો છે, આમ છતાં અમે ખાણાંના દરમાં વધારો કર્યો નથી.
ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજની કેન્ટીનમાં દરરોજ ૪૦૦થી ૫૦૦ વિદ્યાર્થીઓ માટે ભોજન અને નાસ્તો તૈયાર કરવામાં આવે છે. અત્યારની વિકટ પરિસ્થિતિને લીધે નાસ્તામાં વડા- પાંવ અને બટેટા- પૌઆ આપવામાાં આવે છે. જ્યારે ભોજનની થાળીમાં પણ લિમિટેડ વાનગીઓ જ પીરસવામાં આવે છે. કોલસા મોંંઘા થઈ ગયા છે. તેલની કિંમત ૧૮૦૦થી વધીને ૨૩૦૦- ૨૪૦૦ થઈ ગઈ છે અને પ્લાસ્ટિક સહિતની બીજી જુદી જુદી વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. આમ છતાં મેડિકલ સ્ટુડન્ટ્સને મુશ્કલી ન પડે એ માટે કેન્ટીન ચાલુ જ રાખવામાં આવી છે.
ગેસની કટોકટીને છતાં ભિવંડીના ૨૧ હજાર વિદ્યાર્થીઓને ભોજન
ગેસની અછત સર્જાઈ હોવા છતાં ભિવંડી મહાપાલિકા ક્ષેત્રની ૧૦૪ પ્રાથમિક શાળા અને સરકારી અનુદાન પર ચાલતી ખાનગી સ્કૂલોના ૨૧ હજાર વિદ્યાર્થીઓને નિયમિત ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. અક્ષય માત્ર કિચનના માધ્યમથી આ ભોજન તૈયાર કરવામાં આવે છે. કેન્દ્ર સરકારના નિર્દેશ અનુસાર રાજ્ય સરકાર, મહાપાલિકા પ્રશાસન અને ગેસ કંપની દ્વારા રાંધણ ગેસના પુરવઠામાં કોઈ કમી આપવા નથી દીધી. પરિણામે રોજ ૨૧ હજાર વિદ્યાર્થીઓ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહારથી હજી સુધી વંચિત નથી રહ્યા.
મુંબઈમાં સ્મોકલેસ ચૂલાનું વધતું ચલણ
ગેસના ચૂલાના વિકલ્પ રૃપે તળ મુંબઈ અને ઉપનગરોમાં ઝડપથી સ્મોકલેસ ચૂલાનો વપરાશ વધવા માંડયો છે. કાંદિવલી, ઘાટકોપર, દક્ષિણ મુંબઈ, મુલુન્ડ અને બોરીવલીમાં ફૂડસ્ટોલ અને સડકને કિનારે લારી ઉભી સારી ખાદ્યપદાર્થનું વેચાણ કરતાં લારીવાળા પણ સ્મોકલેસ ચૂલાનો ઉપયોગ કરવા માંડયા છે. સ્મોકલેસ ચૂલો એટલે કુકંગ સ્ટવની રચના એવી હોય છે એમાં લાકડાં કે બાયોમાસ બાળવામાં આવે ત્યારે ૯૦ ટકા ઓછો ધૂમાડો થાય છે. આવી જ રીતે પંખાવાળા ચૂલાનો ઉપયોગ પણ વધ્યો છે. ચૂલાનું જે દહનકક્ષ છે એની એવી રીતે રચના કરવામાં આવી છે કે ઈંધણને પૂરેપૂરી રીતે બાળી નાખે છે. આને કારણે મેશ નથી જામતી અને ઈંધણની ૫૦ ટકા બચત થાય છે. ગેસ સિલિન્ડરોના અનિયમિત પૂરવઠાની સ્થિતિને લીધે વધુમાં વધુ સ્ટોલવાળા સ્મોકલેસ ચૂલાનો ઉપયોગ કરવા માંડયા છે.


