મુંબઈમાં સતત ભારે વરસાદી ઝાપટાં : ટ્રાફિક જામ, ટ્રેનો મોડી પડી
આજે પણ ૫૦ કિમીની ઝડપે પવન સાથે તોફાની વરસાદની આગાહી
જુદા જુદા વિસ્તારોમાં બેથી ચાર ઈંચ વરસાદ ઃ જોકે સવાર બાદ ગતિ ધીમી પડીઃ મુંબઈમાં આજ માટે ઓરેન્જ, રાયગઢ અને રત્નાગરીમાં રેડ એલર્ટ
મુંબઈ - મુંબઈમાં આજે દિવસભર મન મૂકીને વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને સવારના કલાકો દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં ભારે ઝાપટાં પડયાં હતાં. વરસાદના કારણે સવારના સમયે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે , કોસ્ટલ રોડ સહિત શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયાં હતાં. વેસ્ટર્ન અને સેન્ટ્રલ લાઈન પર બપોર સુધી ટ્રેનો પણ મોડી દોડી રહી હતી. જોકે, બપોર બાદ વરસાદનું જોર સ્હેજ ઘટયું હતું પરંતુ છૂટાછવાયાં ઝાપટાં ચાલુ રહ્યાં હતાં.
શહેરમાં વરસાદ સંબંધી દુર્ધટનાઓમાં ૧૯ વૃક્ષ ધરાશાયી થયાં હતાં. શોર્ટ સર્કિટની છ ઘટના તથા ઘર અને ભીત ધસી પડવાની ચાર ઘટના નોંધાઈ હતી.
મુંબઈ મહાપાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર સાંજે સાડા પાંચ સુધીના નવ કલાકમાં પૂર્વ ઉપનગરમાં ૩૯.૫૦ મિમિ, પશ્ચિમ ઉપનગર ૩૫.૦૯, તળ મુંબઈમાં ૨૮.૫૭ મિમિ સરાસરી વરસાદ નોંધાયો હતો. મુંબઈ મહાપાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ એપના આંકડા અનુસાર આજે રાતના નવ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં મલાડમાં ચાર ઈંચ, ઘાટકોપરમાં અઢી ઈંચ, ભાંડુપમાં અઢી ઈંચ, બોરીવલીમાં પોણા ત્રણ ઇંચ, ભાયખલામાં અઢી ઈંચ, લાલબાગમાં પોણા બે ઈંચ, અંધેરીમાં સાડા ત્રણ ઈંચ, , બાંદરામાં બે ઈંચ, પવઈમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.
હવામાન ખાતાની કોલાબે વેધશાળા ખેતે આજે દિવસ દરમિયાન ૨૪.૬ મિમિ વરસાદ નોંધાયો હત. આ સાથે અહીં મોસમનો કુલ ૮૭૨. ૮ મિમિ વરસાદ નોંધાયો છે. સાંતાક્રુઝ વેધશાળા ખાતે દિવસ દરમિયાન ૪૨. ૪ મિમિ વરસાદ નોંધાયો હતો. અહીં મોસમનો કુલ ૧૧૦૪.૪ મિમિ વરસાદ નોંધાયો છે.
હવામાન ખાતાંએ આવતીકાલે મુંબઈ ઉપારાંત પાલઘર અને થાણે માટે ઓરેન્જ અને રાયગઢ તથા રત્નાગીરી માટે રેડ એલર્ટ જાહેર કર્યો છે. મુંબઈમાં આવતીકાલે કલાકના ૪૦થી ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાય અને વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.