Mumbai

ટમેટાના ભાવ ગગડવા માંડતા ગ્રાહકો ખુશ ખેડૂતો નારાજ

By GS TEAM
5 Sep 20252 mins read
ટમેટાના ભાવ ગગડવા માંડતા ગ્રાહકો ખુશ ખેડૂતો નારાજ

ઘણે ઠેકાણે કિસાનો ટમેટા રસ્તા પર ફેંકવા માંડયા

માર્કેટમાં ટમેટાની ભરપૂક આવકને લીધે નીચે જતા ભાવ

મુંબઈ -  મુંબઈમાં ટમેટાના ભાવ ફરી ગગડવા માંડતા ગ્રાહકોને રાહત થઈ છે જ્યારે ટમેટા ઉગાડનારા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. એક મહિના પહેલાં ટમેટાનો ભાવ ૮૦થી ૯૦ રૃપિયે કિલો થઈ ગયો હતો.

આજે ૩૦થી ૪૦ રૃપિયે કિલો થઈ ગયો છે. નવી મુંબઈ એ.પી.એમ.સી. સહિત અનેક કૃષિ બજારોમાં ટમેટાની ભરપૂર આવક થવા માંડતા ભાવ નીચે જવા માંડયા છે. બીજું કારણ એ છે કે ટમેટા નાશવંત છે, એટલે વરસાદમાં લાંબો સમય સંગ્રહ થઈ શકતો નથી. પરિણામે સંગ્રહ કરવાની અને ટ્રાન્સપોર્ટમાં મોકલવાની મુશ્કેલીને લીધે વેપારીઓએ ઝડપથી માલ વેંચી નાખવો પડે છે. જો ન વેંચે તો સડી જાય અને ફેંકી દેવાનો વારો આવે. આમ સસ્તા દરે ટમેટાનો નિકાલ કરવામાં આવતા ગ્રાહકોને લાભ થયો છે.

કેટલીક જગ્યાએ તો ખેડૂતોએ ટમેટા ફેંકવાની શરૃઆત કરી દીધી છે. કારણ ટમેટા ઉગાડવા માટેની મજૂરી, જંતુનાશકનો છંટકાવ, ટ્રાન્સપોર્ટમાં મોકલવાનો ખર્ચ વગેરેની ગણતરી કરીએ તો ખેડૂતને એક કિલો ટમેટા ઉગાડવા પાછળ પાંચથી આઠ રૃપિયાનો ખર્ચ થાય છે. હવે જો આજ ટમેટા ચાર- પાંચ રૃપિયે કિલો વેંચવાની નોબત આવે તો ખેડૂતો વેંચવાને બદલે ટમેટા ફેંકી દેવાનું પસંદ કરે છે.

ટમેટા ઉત્પાદક ખેડૂતોના જણાવ્યા પ્રમાણે હવામાનમાં બદલાવ, ભારે વરસાદ, ટમેટા સંગ્રહ કરવા માટે સુવિધાનો અભાવ વગેરે કારણોસર ટમેટાના ભાવમાં ચડ- ઉતર થતી જ રહે છે. ભાવતી આ ચડ-ઉતર અટકાવવા માટે સરકારે સ્ટોરેજની યોગ્ય વ્યવસ્થા, વેચાણ માટેની ચેન ગોઠવવી જોઈએ અને ટેકાના ભાવ આપવા જોઈએ.