ઉદ્ધવ અને રાજ ઠાકરે એકજૂટ થતાં કોંગ્રેસ દુવિધામાં, એકલા હાથે મ્યુનિ. ચૂંટણી લડવા મજબૂર
Mumbai News : ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ મુંબઈના વરલીમાં ગઈકાલની વિજય રેલીમાં અત્યારે સાથે આવ્યા છીએ અને હવે સાથે જ રહેશું તેવી ઘોષણા કરતાં બંને આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓ સાથે લડશે તે લગભગ નક્કી મનાય છે. આ નવા રાજકીય ઘટનાક્રમના કારણે 2019ની વિધાનસભા ચૂંટણી પછી રચાયેલી ત્યારની અવિભાજિત શિવસેના, ત્યારની અવિભાજિત એનસીપી અને કોંગ્રેસની મહાવિકાસ આઘાડી હવે વિખેરાઈ જશે એ પણ સ્પષ્ટ બન્યું છે. કોંગ્રેસ નોખો ચોકો રચીને મુંબઈ, પુણે, નાસિક સહિતની તમામ મ્યુનિસિપલ ચૂંટણીઓ એકલા હાથે જ લડશે તે પણ હવે લગભગ નક્કી થઈ ગયું છે.
મુંબઈ મહાપાલિકાની ચૂંટણી છેલ્લે 2017માં થઈ હતી. ત્યારે ભાજપને 82 અને ત્યારની અવિભાજિત શિવસેનાને 84 બેઠક મળી હતી. જોકે, એ પછી શિવસેનામાં 2022માં ભાગલા પડી ગયા હતા અને એક ગણતરી મુજબ ત્યારના આશરે 60 ટકા જેટલા નગરસેવકો એકનાથ શિંદેના વડપણ હેઠળની શિવસેનામાં જોડાઈ ચૂક્યા છે. કોંગ્રેસને આ ચૂંટણીમાં 31 બેઠકો મળી હતી અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાને ફક્ત સાત બેઠક મળી હતી.
બીએમસીની ચૂંટણી ઓબીસી બેઠકોની ગણતરીના મુદ્દે કાનૂની દાવપેચમાં અટવાઈ હતી. બીજી તરફ પહેલાં કોરોના અને બાદમાં લોકસભા તથા વિધાનસભા ચૂૂંટણીઓના કારણે સરકારને પણ આ ચૂંટણીઓ પાછી ઠેલવાનું બહાનું મળી ગયું હતું. છેલ્લાં ત્રણ વર્ષ કરતાં વધારે સમયથી મુંબઈ સહિતની મોટાભાગની મહાપાલિકાઓમાં વહીવટદાર થકી રાજ્ય સરકારનું જ રાજ ચાલે છે. હવે સુપ્રીમ કોર્ટે મ્યુનિસિપલ ચૂંટણીઓમાં કોઈ વિલંબ નહિ કરવાનો આદેશ આપતાં આગામી દિવાળી પછી ગમે ત્યારે મ્યુુનિ. ચૂંટણીઓ યોજાઈ શકે છે અને તે માટેનાં રાજકીય સોગઠાં અત્યારથી જ ગોઠવાઈ જવાનાં શરુ થઈ ગયાં છે.
આજની તારીખે એક તરફ ભાજપ અને એકનાથ શિંદેના વડપણ હેઠળની શિવસેના , બીજી તરફ ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટી અને રાજ ઠાકરેની મનસે તથા ત્રીજી તરફ કોંગ્રેસ એમ ત્રણ છાવણીઓ વચ્ચે ત્રિપાંખિયા જંગની ધારણા છે. અજિત પવારની એનસીપી કે શરદ પવારની એનસીપી મુંબઈના શહેરી વિસ્તારોમાં ખાસ રાજકીય વર્ચસ્વ ધરાવતા નથી એટલે મુંબઈના ચૂંટણી જંગમાં તેમની ભૂમિકા ખાસ નિર્ણાયક નહિ હોય. જોકે, પુણે-નાસિક સહિતના અનેક શહેરોમાં તેઓ આક્રમક રીતે ચૂંટણી જંગમાં ઉતરશે.
બીજી તરફ કોંગ્રેસની છાવણીમાં પણ મોટાભાગના નેતાઓ એકલા હાથે જ આ ચૂંટણી લડી લેવાના મતમાં છે. વિધાનસભામાં હાર પછી ઉદ્ધવ જૂથના નેતાઓ તથા કોંગ્રેસના પ્રદેશ નેતાઓ વચ્ચે જાહેરમાં ટપાટપીના એકથી વધુ પ્રસંગ બન્યા હતા. તે પરથી જ બંને વચ્ચેનું જોડાણ લાંબું ચાલવા અંગે શંકાઓ શરુ થઈ હતી. હવે કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ પક્ષના હાઈકમાન્ડને એવો અભિપ્રાય આપ્યાનું માનવામાં આવે છે કે પક્ષે અત્યારે એકલા હાથે ચૂંટણી લડી પોતાના જનાધારની ચકાસણી કરી લેવી જોઈએ. ચૂંટણી પછી બોર્ડની રચનામાં જરુર પડે અન્ય પક્ષ સાથે જોડાણના વિકલ્પો તપાસી શકાય છે.
ઉદ્ધવ અને રાજ હવે એક મંચ પર સાથે આવ્યા પછી ઉદ્ધવ સાથે યુતિની શક્યતા પણ ધૂંધળી થઈ ગઈ છે. કોંગ્રેસના નેતાઓના જણાવ્યા અનુસાર રાજ ઠાકરેનું આક્રમક હિંદુત્વ, મસ્જિદો પર લાઉડસ્પીકરો ઉતારવા જેવા મુદ્દે તેમનું વલણ અને મરાઠી ભાષા મુદ્દે તેમની આક્રમક કાર્યશૈલી કોંગ્રેસને માફક આવે તેમ નથી.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે તાજેતરમાં સમાચાર સંસ્થાને જણાવ્યું હતું કે પક્ષના મોટાભાગના નેતાઓ મુંબઈ સહિતની મ્યુનિસિપલ ચૂંટણીઓ એકલા હાથે લડવાના મૂડમાં છે. આ બાબતે તા. સાતમી જુલાઈએ કોંગ્રેસની એક બેઠક થવાની છે.
મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાઓ, 248 મ્યુનિસિપલ કાઉન્સિલો, 32 જિલ્લા પરિષદો તથા 336 પંચાયત સમિતિઓની ચૂંટણી દિવાળી પછી થવાની છે. એ અર્થમાં આ ચૂંટણીને મિનિ ધારાસભા ચૂંટણી તરીકે ગણવામાં આવી રહી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં વિધાનસભાની 36 બેઠકો છે. ગત ચૂંટણીમાં ભાજપે 15, શિંદે શિવસેનાએ છ અને અજિત પવારની એનસીપીએ એક બેઠક પરથી વિજય મેળવ્યો હતો. જ્યારે શિવેસના યુબીટીએ 10, કોંગ્રેસે ત્રણ તથા સમાજવાદી પાર્ટીએ એક બેઠક પરથી વિજય મેળવ્યો હતો.