Get The App

7મી નવે. સુધી સ્કૂલોમાં સંપૂર્ણ 'વંદે માતરમ્'નું ફરજિયાત ગાન

Updated: Nov 1st, 2025

GS TEAM

Google News
Google News
7મી નવે. સુધી સ્કૂલોમાં સંપૂર્ણ 'વંદે માતરમ્'નું ફરજિયાત ગાન 1 - image

ગીતનાં ૧૫૦ વર્ષની ઉજવણી નિમિત્તે આદેશ

મુંબઈ યુનિવર્સિટી અને સંલગ્ન કૉલેજોમાં સાતમી નવેમ્બરે 'વંદે માતરમ્'નું ગાન થશે

મુંબઇ -  'વંદે માતરમ્' આ રાષ્ટ્રીય ગીતનાં ૧૫૦મા રચના વર્ષ નિમિત્તે મહારાષ્ટ્રની તમામ સ્કૂલોમાં ૩૧ ઑક્ટોબરથી સાતમી નવેમ્બર સુધી ફરજિયાતપણે ગાવાનો આદેશ રાજ્ય સરકારે આપ્યો છે. જ્યારે મુંબઈ યુનિવર્સિટી તથા તેની સાથે સંકળાયેલી કૉલેજોમાં સાતમી નવેમ્બરે આ ગીત શિક્ષકો-વિદ્યાર્થીઓ સાથે મળી ગાશે અને તેનો અહેવાલ યુનિવર્સિટીની લિન્ક પર અપલોડ કરશે.

દેશભક્ત સાહિત્યકાર બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયે ૧૮૭૫માં 'વંદે માતરમ્'ની રચના કરી હતી. ૧૯૫૦માં સંવિધાન સ્વીકૃતિ સમયે આ ગીતને અધિકૃતપણે ભારતના રાષ્ટ્રગાન તરીકે માન્યતા અપાઈ હતી. સાતમી નવેમ્બરે આ રચનાકાળને ૧૫૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આથી રાજ્ય સરકારે આ માટે એક રાજ્ય સ્તરીય કમિટી સ્થાપિત કરી છે. જેના થકી સ્કૂલો અને યુનિવર્સિટીઓમાં આ પર્વ સંદર્ભે કાર્યક્રમો કરવામાં આવશે.

અત્યારસુધી સ્કૂલ, કૉલેજોમાં વંદે માતરમ્ના મોટેભાગે માત્ર બે જ મુખડા ગવાતાં હતાં પરંતુ આ સપ્તાહ દરમ્યાન સંપૂર્ણ ગીત ગાવાનો આદેશ કરાયો છે. તે સાથે જ 'વંદે માતરમ્' આ વિષયને ધ્યાનમાં લઈ ભારતની સ્વાતંત્ર્ય ચળવળમાં તેના મહત્ત્વ સંદર્ભે વિવિધ ઐતિહાસિક, સાંસ્કૃતિક પ્રદર્શનો અને કાર્યક્રમો યોજવા જણાવાયું છે. તેમજ આ આદેશ ખાનગી તથા સરકારી તેમ બંને શાળાઓને લાગુ રહેશે.