Mumbai

બુલઢાણામાં ટાલ પડવા અને નખ ઉતરવા બાદ હાથમાં ચીરા પડવાની ફરિયાદો

By GS TEAM
17 Jun 20252 mins read
બુલઢાણામાં ટાલ  પડવા અને નખ ઉતરવા બાદ હાથમાં ચીરા પડવાની ફરિયાદો

એક પછી એક તકલીફોથી ગ્રામજનો હેરાન પરેશાન અને ભયભીત

ટાલ પડવા તથા નખ ઉતરવાની જેમ આ ત્વચા રોગમાં પણ કોઈ કેમિકલ રિએક્શન જવાબદાર હોવાની શંકા

મુંબઇ  -  મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના કેટલાય ગામોમાં લોકોના માથાના વાળ ઉતરવા માંડયા હતા અને ત્યાર પછી હાથ-પગના નખ ઉખડવા માંડયા હતા. હવે બહાર આવ્યું છે કે આ જ વિસ્તારમાં કેટલાક લોકોની હથેળીમાં લાંબા સમયથી ચીરા પણ પડી રહ્ય છે.  અગાઉ એવું તારણ અપાયુું હતુંકે  એફસીઆઈ દ્વારા પૂરા પડાયેલા ઘઉંમાં સેલેનિયમ નામની ધાતુનું પ્રમાણ બહુ વધારે હોવાથી લોકોને માથે  ટાલ પડી હતી. જોકે, આ જ વિસ્તારમાં લોકોના હાથમાં ચીરા પડવામાં પણ આવું જ કોઈ કેમિકલ રિએક્શન જવાબદાર છે કે કેમ તે અંગે તપાસ શરુ થઈ છે. 

મેહકર તાલુકાના શેલગાવમાં ૨૦ ગ્રામજનોની હથેળીમાં રીતસર  ચીરા પડી ગયા છે અને તેમને બળતરા સહન કરવી પડે છે. આ નવી બીમારીની જાણ થતાની સાથે ફરી એલર્ટ મોડ પર આવેલા આરોગ્ય વિભાગે તરત જ ગામમાં ડોકટરો સાથેની ટીમ મોકલી હતી. આ વીસ ગ્રામજનોની તપાસ કરતા મોટા ભાગનાને એક્ઝેમા, પાલ્મોપ્લાન્ટર કેરાટોડર્મા અથવા પાલ્મોપ્લાન્ટર સોરાયસિસ નામના ત્વચારોગના લક્ષણો જોવા મળ્યા હતા. આ ગ્રામજનો છેલ્લાં એક વર્ષથી માંડીને પાંચ વર્ષથી આ  બીમારી ભોગવી રહ્યાં છે. જોકે, ટાલ પડવા અને નખ પડવાની ઘટનાો બાદ ગ્રામજનોનું ધ્યાન ગયું હતું કે આ ચીરા પડવાને પણ તેની સાથે સંબંધ હોઈ શકે છે.  અકોલામાં ત્વચારોગ નિષ્ણાત (ડર્મેટોલોજીસ્ટ) તરફથી આ ગ્રામજનોની  સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું હતું.

આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ આ બીમારી સંસર્ગજન્ય નથી અને પાણી સાથે પણ સંબંધ નથી. હાનિકારક રસાયણ અથવા જુદા જુદા એન્ટિજેનના સંપર્કમાં આવવાથી શરીરની સ્વયંપ્રતિકારક પ્રણાલી (ઓટોઇમ્યુન રિસ્પોન્સ)થી આ વિકાર ઉદ્ભવે  છે. સ્થાનિક આરોગ્ય કર્મચારીઓને આ બીમારી વિશેની  જાણકારી અપવામાં આવી છે અને કઇ જાતની સારવાર આપવી એ સૂચવવામાં આવ્યું છે.

દરમ્યાન ગયા ડિસેમ્બર મહિનાથી બુલઢાણા જિલ્લાના શેગાંવ, નાંદુરા, ખામગાંવ તાલુકાના અનેક ગામોમાં લોકોના માથાના વાળ ખરવા માંડયા હતા અને બધા ટકલા થાવા માંડયા હતા.  આરોગ્ય વિભાગે તપાસ કરતા એક કારણ એવું મળ્યું હતું કે પંજાબ અને હરિયાણા બાજુથી આવતા ઘઉંમાં વધુ પ્રમાણમાં સેલેનિયમને કારણે વાળ ખરવા માંડયા હતા. ગામોની રેશનિંગની દુકાનોમાંથી આ જ ઘઉં ગ્રામજનોને પૂરા પાડવામાં આવતા હતા. માથે ટકલા થવાની આ નવી જ બીમારીએ ઉભી કરેલી ચિંતાનું હજી નિરાકરણ નહોતું નીકળ્યું ત્યાં ગ્રામજનોના હાથ-પગના નખ ઉખડવા માંડયા હતા.