ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપ વિજયની ઉજવણી વખતે અપમાનનો આરોપ
રાષ્ટ્રધ્વજ પીઠ પર લપેટી ગર્લફ્રેન્ડ સાથે અભદ્ર હરકતો બદલ મુંબઇના શિવાજી નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ
મુંબઇ - અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતની ટીમે ટી-ટ્વેટી વર્લ્ડ કપ જીત્યા બાદ તેની ઉજવણી સમયે રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાના આરોપ સાથે ભારતીય ક્રિકેટર હાર્દિક પંડયા વિરૃદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ બાબતની ફરિયાદ અનુસાર વિજયની ઉજવણીના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેમાં પંડયા પોતાના ખભા પર રાષ્ટ્ર ધ્વજ લપેટીને ઉજવણી કરતો જોવા મળ્યો હતો. ફરિયાદી વાજિદ ખાન બિડકરે આરોપ લગાવ્યો હતો કે ઉજવણી દરમિયાન પંડયા નાચતો અને પછી સ્ટેજ પર ધ્વજ લપેટીને સૂતો જોવા મળ્યો હતો ખાને દલીલ કરી હતી કે આ કૃત્ય રાષ્ટ્ર ધ્વજનું અપમાન કરે છે અને રાષ્ટ્રીય ધ્વજ અપમાન નિવારણ અધિનિયમ ૧૯૭૧ની જોગવાઇઓનું ઉલ્લંઘન કરે છે.
ખાને વધુ વિગત આપતા માધ્યમોને કહ્યું હતું કે 'તમે ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપની ઉજવણી સમયે હાર્દિક પંડયાને તેની ગર્લફ્રેન્ડ સાથે જીતની ઉજવણીમાં ડાન્સ કરતા જોયો હશે. આ સમયે તેની પીઠ પર રાષ્ટ્રધ્વજ બાંધેલો હતો. ૧૯૭૧ રાષ્ટ્રીય ધ્વજ અધિનિયમની કલમ ૨ મુજબ આપણે રાષ્ટ્રધ્વજની ગરિમાનું સન્માન કરવું જોઇએ.
પંડયા ઉજવણીમાં એટલો ખોવાઇ ગયો હતો કે તે રાષ્ટ્રધ્વજ પહેરી તેની ગર્લફ્રેન્ડ સાથે સૂઇ ગયો હતો જે રાષ્ટ્રધ્વજનું અપમાન છે.'
ખાને વધુમાં જણાવ્યું હતું કે આ ઘટના અમદાવાદમાં બની હોવાથી શરૃઆતમાં પોલીસ તરફથી તેમને અધિકારક્ષેત્ર અંગે પ્રશ્નોનો સામનો કરવો પડયો હતો. જોકે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાષ્ટ્રધ્વજ સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરે છે તેથી ફરિયાદ દેશના કોઇપણ પોલીસ મથકમાં નોંધાવી શકાય છે ત્યાર બાદ શિવાજીનગર પોલીસ મથકમાં ખાનની ફરિયાદ સ્વીકારવામાં આવી હતી અને તેની એક નકલ ખાનને આપવામાં આવી હતી.
શિવાજી નગર પોલીસ મથકમાં અધિકારીઓએ ખાનની ફરિયાદ મળી હોવાની પુષ્ટિ કરી હતી પરંતુ કાર્યવાહી અંગે કોઇપણ વિગતો આપવાનું ટાળ્યું હતું.


