Get The App

સ્કૂલ બસનાં રજિસ્ટ્રેશનમાં ચેડાં બાબતે મુલુંડની શાળા સામે ફરિયાદ

Updated: Dec 20th, 2025

GS TEAM

Google News
Google News
સ્કૂલ બસનાં રજિસ્ટ્રેશનમાં ચેડાં બાબતે મુલુંડની શાળા સામે ફરિયાદ 1 - image

સરકારી તિજોરીને નુકસાનઃ આચાર્ય સહિત અન્યો સામે ગુનો દાખલ

બસ પર સ્ટેમ્પ કરવામાં આવેલ ચેસીસ નંબર સત્તાવાર રજિસ્ટ્રેશન સાથે મેળ ખાતો નહોતા

મુંબઇ  -  મુલુંડ (ઇ)માં  એક સ્કૂલ બસના રજિસ્ટ્રેશનમાં અનિયમિતતા મળી આવતા મુલુંડ (ઇ)ના નવઘર પોલીસ મથકમાં સંબંધિત સ્કૂલ તેના પ્રિન્સિપાલ અને કેટલાક અન્ય લોકો સામે એફઆઇઆર નોંધવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યુ ંહતું. આ બાબતે એક અધિકારીએ જણાવ્યું હતું કે આરટીઓના ઇન્સ્પેકટર સંકેત ચવ્હાણની ફરિયાદ પર આ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમણે શોધી કાઢ્યું હતું કે છેલ્લા બે વર્ષથી એક સ્કૂલબસ ખોટા દસ્તાવેજો અને રેકોર્ડ સાથે મેળન ખાતા ચેસીસ નંબર સાથે રસ્તા પર દોડી રહી હતી જેના પરિણામે પરિવહન વિભાગને ૮.૬૬ લાખ રૃપિયાનું નુકસાન થયું હતું.

આ  બાબતે વધુ વિગતાનુસાર આરટીઓની એક ટીમ મંગળવારે બપોરે મુલુંડના ગવાણપાડા ફાયર બ્રિગેડ ઓફિસ પાસે નિયમિત નિરીક્ષણમાં વ્યસ્ત હતી ત્યારે એક સ્કૂલ બસની તપાસ હાથ ધરી હતી. આ સમયે તેમને બસ પર સ્ટેમ્પ કરવામાં આવેલ ચેસીસ નંબર અને સત્તાવાર રજિસ્ટ્રેશનમાં આપેલ ચેસીસ નંબર અલગ-અલગ હોવાનું જણાવ્યું હતું. નોંધણીમાં આ રીતની વિસંગતતા મળી આવતા અધિકારીઓ પણ ચોંકી  ઉઠયા હતા. ત્યાર બાદ આરટીઓ વિભાગે આ સ્કૂલ બસ જપ્ત કરી લીધી હતી.

સંકેત ચવ્હાણે જણાવ્યું હતું કે ચેસીસ નંબર કોઇ પણ વાહનની પ્રાથમિક ઓળખ છે. વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે આ  સ્કૂલબસ કથિત રીતે બે વર્ષથી વધુ સમયથી (ઓકટોબર, ૨૦૨૩થી) માન્ય નોંધણી  વગર ચલાવવામાં આવતી હતી. પરિણામે પરિવહન વિભાગને ૮.૬૬ લાખનું નુકસાન થયું હતું. આ ઘટના બાદ આરટીઓની ફરિયાદના આધારે નવઘર પોલીસે શૈક્ષણિક સંસ્થા તેના પ્રિન્સિપાલ, ડિરેકટર, વાહન ડિલર, ડ્રાઇળર અને અન્યો સામે છેતરપિંડી, બનાવટ, કાવતરું ઘડવું લોકોના જીવન અને સલામતીને જોખમમાં મૂકવી તેવી કલમો  હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ બાબતે નવઘર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.