અકસ્માતમાંથી મોત માટે 7.89 લાખનાં વળતરનો આદેશ

ભિવંડીમાં ટુ વ્હિલર ચાલકના મોતના કેસમાં આદેશ
અરજીની તારીખથી વાર્ષિક ૯ ટકા વ્યાજ સાથે વળતર એક મહિનામાં આપવા નિર્દેશ
મુંબઈ - મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલે ટ્રક અકસ્માતમાં મૃત્યુ પામેલા ૫૭ વર્ષીય વ્યક્તિના પરિવારને ૭.૮૯ લાખ રૃપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
કન્ટેનર ટ્રકના માલિક અને વીમા કંપનીને અરજીની તારીખથી વાષક ૯ ટકા વ્યાજ સાથે સંયુક્ત રીતે અને અલગ અલગ રીતે વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
પીડિત, રાધેશ્યામ વિજય બહાદુર યાદવ, નાલાસોપારાના એક એસ્ટેટ એજન્ટ હતો અને એપ્રિલ ૨૦૧૯માં ભિવંડી-ચિંચોટી બાયપાસ પર પોતાની મોટરસાઇકલ ચલાવી રહ્યો હતો, ત્યારે એક કન્ટેનર ટ્રકે ટુ-વ્હીલરને ટક્કર મારી હતી.
યાદવને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને હોસ્પિટલ લઈ જતી વખતે તેનું મોત નીપજ્યું હતું.
ન્યાયાધીશે નોંધ્યું કે કન્ટેનર ડ્રાઈવર મુખ્યત્વે જવાબદાર હતો, પરંતુ અકસ્માત રસ્તાની વચ્ચે થયો હતો, જ્યાં ડિવાઈડર નહોતો જેના કારણે મોટરસાઈકલ સવારની બેદરકારી ૧૦ ટકા જવાબદાર હતી.
કન્ટેનર ટ્રકમાં માન્ય લાઇસન્સ, પરમિટ અથવા ફિટનેસ પ્રમાણપત્ર ન હોવાનો વીમા કંપનીનો બચાવ ફગાવી દેવામાં આવ્યો હતો.
ટ્રિબ્યુનલે વળતર એક મહિનાની અંદર જમા કરાવવાનો આદેશ આપ્યો.

