બસના ભાડામાં બમણો વધારો કરાતાં રોષે ભરાયેલા પ્રવાસીઓ
'બેસ્ટ'ને આર્થિક કટોકટીમાંથી બહાર લાવવા
દેશની શ્રેષ્ઠ પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસની ખાનગીકરણની હિલચાલ સામે વધતો વિરોધ
મુંબઈ - 'બેસ્ટ' (બૃહદ મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ)ને આર્થિક કટોકટીમાંથી બહાર લાવવા બસના ભાડામાં બમણો વધારો કરવામાં આવ્યો તેની સામે પ્રવાસીઓએ જોરદાર વિરોધ નોંધાવ્યો છે.
'બેસ્ટ'ની બસના પ્રવાસીઓ અને નાગરિકોને બે દિવસ પહેલાં વડાલા બસ ડેપોની બહાર વિરોધ પ્રદર્શન કર્યા બાદ અન્ય વિસ્તારોમાં પણ વિરોધની શક્યતા છે. જે લોકો રિક્ષા કે ટેક્સીના ભાડાં ખર્ચી ન શકતા હોય તેઓ બેસ્ટની બસમાં ઓછું ભાડું ચૂકવી પ્રવાસ કરતા હોય છે, પરંતુ હવે બસનું ભાડું જ બમણું કરવામાં આવતા ઘણાં એવાં લોકો હશે કે જેમણે બસને બદલે ચાલીને જવું પડશે.
દાદરમાં રહેતા સિનિયર સિટિજન મહિલાએ જણાવ્યું હતું કે પહેલાં ઓછું ભાડું હતું એટલે બસમાં પ્રવાસ કરતી, પણ ભાડાવધારો થયા પછી રોજ લગભગ પાંચ કિલોમીટર ચાલીને જવું પડે છે.
'આમચી મુંબઈ આમચી બેસ્ટ'ના નેજા હેઠળ યોજાયેલા વિરોધ પ્રદર્શન વખતે 'બેસ્ટ'ના ખાનગીકરણની દિશામાં ચાલી રહેલી હિલચાલ સામે પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
દેશની શ્રેષ્ઠ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ તરીકે પંકાયેલી 'બેસ્ટ'ના કાફલામાં બેસ્ટની માલિકીની ૪૫૦૦ બસ હતી જે આજે ઘટીને ૪૩૭ થઈ ગઈ છે. આજે પ્રાઇવેટ કોન્ટ્રેક્ટરો દ્વારા ૩૫૦૦ બસ દોડાવવામાં આવે છે.
મુંબઈના ૧૪ એનજીઓ તરફથી યોજાયેલા ડેમોન્સ્ટ્રેશન વખતે એવી પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી હતી કે 'બેસ્ટ'ને આર્થિક સંકડામણમાંથી બહાર લાવવા માટે રાજ્ય સરકારે વધુ આર્થિક સહાય કરવી જોઈએ. પ્રવાસીઓ ઉપર ભાડા વધારાનો આટલો બોજ ન નાખવો જોઈએ.