Get The App

મહારાષ્ટ્રમાં પહેલાં ધોરણથી એઆઈ શીખવવા કમિટની ભલામણ

Updated: Feb 12th, 2026

GS TEAM

Google News
Google News
મહારાષ્ટ્રમાં પહેલાં ધોરણથી એઆઈ શીખવવા કમિટની ભલામણ 1 - image

ભાષા મુદ્દે રચાયેલી કમિટીએ 'કોર્સ બહારની' ભલામણ કરી

શિક્ષકો અને શિક્ષણ વિદ્દોમાં ચિંતા ઃ વિદ્યાર્થીઓનો સ્ક્રીન ટાઈમ ઘટાડવાને બદલે આ તો વધારવાની વાત

અનેક શાળાઓમાં કોમ્પ્યુટર તો ઠીક પરંતુ વીજ જોડાણ પણ નથી અને વાતો એઆઈનાં પ્રશિક્ષણની

મુંબઈ -  મૂળ તો રાજ્યમાં ફરજિયાત હિન્દીના મામલે ભલામણ આપવા રચાયેલી પ્રોફેસર નરેન્દ્ર જાધવ કમિટીએ તેને અપાયેલી કાર્યસૂચિની બહાર જઈને મહારાષ્ટ્રની સ્કૂલોમાં પહેલાં જ ધોરણથી એઆઈની તાલીમ આપવાની પણ ભલામણ કરી દીધી છે. આ ભલામણથી શિક્ષકો તથા શિક્ષણ વિદ્દોમાં ચિંતા જન્મી છે. બાળકોનો સ્ક્રીન ટાઈમ કેવી રીતે ઘટે તે બાબતે ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ આ ભલામણનો અમલ કરવા જતાં ઉલ્ટાનું પ્રાથમિકનાં બાળકોનો પ ણ સ્ક્રીન ટાઈમ વધી જશે તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે. 

સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટીના પૂર્વ વીસી પ્રોફેસર નરેન્દ્ર જાધવની કમિટીએ ભલામણ કરી છે કે, કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઈ) અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈટી)ને શાળાના પહેલાં ધોરણના અભ્યાસક્રમમાં શીખવવું જોઈએ, જેથી બાળકોને ટેક્નોલોજી દ્વારા ભવિષ્ય માટે તૈયાર કરી શકાય. 

જોકે, શિક્ષણવિદ્દોએ આ ભલામણનો વિરોધ કરતાં કહ્યું હતું કે  સરકારી અને સ્થાનિક શાળાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્યાનમાં લેતાં મહારાષ્ટ્રનું જાહેર શિક્ષણ તંત્ર આવા પરિવર્તન માટે તૈયાર નથી. તાજેતરના યુડાયસ પ્લસ ડેટાનુસાર હજારો શાળાઓમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ છે, જેમાં ૩૦૦૦થી વધુ શાળાઓમાં વીજળી પણ નથી. જે પ્રશ્ન ઊભો કરે છે કે, આઈટી અને એઆઈને શિક્ષણમાં અસરકારક રીતે કેવી રીતે શીખવાડી શકાય. કેન્દ્ર સરકારની યોજનાઓ જેમ કે પીએમ-શ્રી અને સમગ્ર શિક્ષણ અભિયાન હેઠળ ડિજીટલ અપગ્રેડ માટે ફંડો મંજૂર કરવામાં આવ્યા છે, પરંતુ અનેક શાળાઓને હજુ કોમ્પ્યુટર લેબ કે અન્ય પૂરતાં સાધનો મળ્યા નથી.

શિક્ષણ કર્મચારીઓ જણાવે છે કે ટેક્નોલોજી શિક્ષણનો ભાગ હોવી જોઈએ, પરંતુ તે મૂળભૂત શિક્ષણ પદ્ધતિઓની જગ્યા લેવી નહીં. તેઓએ હાઈલાઈટ કર્યું કે, સ્ક્રીનનો સમય વહેલી વયમાં વધુ મળવાથી અને જો યોગ્યપણે એ કોર્સ શીખવવામાં ન આવે તો બાળકોની જિજ્ઞાાસા, કલ્પના અને સામાજિક કૌશલ્યો પર અસર પડી શકે છે.

એક વરિષ્ઠ શિક્ષણ નિષ્ણાતે જણાવ્યું કે, જાધવ કમિટીની ભલામણોને સ્ટીઅરિંગ કમિટીની સમીક્ષા પછી જ સરકાર અમલ માટે નિર્ણય કરશે, જે એઆઈ અને આઈટી શિક્ષણના અમલમાં સાવધાનીપૂર્વક યોજના બનાવવાની જરુરિયાતને ઉજાગર કરે છે.