રાજકીય પક્ષની મહિલા કાર્યકર્તાની જાતીય સતામણી
એક કેસમાં મહિલાનો દુપટ્ટો ખેંચ્યો, બીજા કેસમાં સિટી મારી અણછાજતો સ્પર્શ કર્યો હતો
મુંબઈ - ગુનો નૈતિક અધઃપતનનો હોવાનું નિરીક્ષણ કરીને મેજિસ્ટ્રેટ કોર્ટે તાજેતરમાં ૩૭ વર્ષના કોલેજ પ્રિન્સિપલને બે રાજકીય પક્ષની કાર્યકર્તાનો વિનયભંગ કરવાના ૨૦૧૩ના બે અલગ કેસમાં છ મહિનાની કેદની સજા ફટકારી હતી.
રાજકીય અદાવતને લઈ ખોટી રીતે ફસાવાયો હોવાનું આરોપીએ દલીલમાં જણાવ્યું હોવા છતાં કોર્ટે નોંધ્યું હતું કે મહિલાઓના નિવેદનો આપસમાં સુસંગત છે અને અન્ય પુરાવા પણ તેને સમર્થન આપે છે.
બળ પ્રયોગ કરીને આરોપીએ ફરિયાદીઓનો વિનયભંગ કર્યો હતો અને શબ્દો અને ઈશારાઓથી અપમાનીત કરી હતી. તમામ સાક્ષીદારોએ ફરિયાદી પક્ષની વાતને સમર્થન આપ્યું હોવાનું એડિશનલ ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ બી. એન. ચિકનેએ જણાવ્યું હતું.
પહેલા બનાવમાં ૨૨ એપ્રિલ ૨૦૧૩ના રોજ પીડિતા પાણીપુરી વિક્રેતા મહિલાનો ગલ્લો આરોપી અને તેની બેહેને તોડી પાડયો હોવાનું જણાતાં બોલાચાલી થઈ હતી. આરોપીએ તેનો દુપટ્ટો ખેંચ્યો હતો. બીજા બનાવમાં ત્રણ દિવસ બાદ સામાજિક કાર્યકર્તા મહિલાએ જણાવ્યું હતું કે હોસ્પિટલ પાસે ભાઈની રાહ જોતી હતી ત્યારે આરોપી તેના બે સાથી સાથે આવ્યો અને સિટી વગાડી હતી અને બિનજરૃરી ગંદા ઈશારા કર્યા હતા અને શારીરિત રીતે અણછાજતો સ્પર્શ કરીને સતામણી કરી હતી.બંને મહિલાઓ રાજકીય પક્ષની કાર્યકર્તા હતી.
આરોપી સામે ૨૦૨૫માં અલગ કેસમાં ૧૭ વર્ષની કોલેજ સ્ટુડન્ટની સતામણી કરવાનો ગુનો નોંધાયો હતો. આ કેસમા ંતે જામીન પર છે. કસૂરવાર આરોપી પ્રિન્સિપાલને અટકાયતનો સમય સજામાંથી બાદ મળશે.


